31/08ના રોજ 130 મૂર્તિઓ, 02/09એ 76 મૂર્તિઓ, 04/09એ 42 મૂર્તિઓ તેમજ 06/09ના રોજ 572 ગણેશજીની મૂર્તિઓનું ભાવપૂર્વક વિસર્જનમોરબી: મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જે બાદ વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા 4 સ્થળોની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે 11 દિવસ બાદ ગણેશ વિસર્જન કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો છે. આ વિસર્જન માટે શોભેશ્વર રોડ પરના પિકનિક સેન્ટર ખાતે એક કલેક્શન પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો, જ્યાં ચાર દિવસમાં કુલ 820 ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.જેમાં 31/08/2025ના રોજ 130 મૂર્તિઓ, 02/09/2025ના રોજ 76 મૂર્તિઓ, 04/09/2025ના રોજ 42 ગણેશજીની મૂર્તિઓ તેમજ 06/09/2025ના રોજ 572 ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન કાર્યક્રમમાં ખાસ કરીને મોટી મૂર્તિઓનું વિસર્જન પણ સરળતાથી કરવામાં આવ્યું. જેમાં પટેલ ગ્રુપની મૂર્તિ રાત્રે 10:45 વાગ્યે, મયુરનગરી કા રાજાની મૂર્તિ રાત્રે 3:15 વાગ્યે અને સિદ્ધિવિનાયક કા રાજાની મૂર્તિ સવારે 7:30 વાગ્યે વિસર્જિત કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી મહાનગરપાલિકા, પોલીસ અને ફાયર વિભાગની ટીમ 24 કલાક સ્ટેન્ડબાય રહી હતી. વરસાદ હોવા છતાં, આ ટીમોએ સંપૂર્ણ સહયોગ અને ખંતપૂર્વક કામગીરી કરી હતી, જેથી કોઈ પણ અકસ્માત કે દુર્ઘટના વિના આ કાર્યક્રમ સુચારું રીતે પૂર્ણ થઈ શક્યો હતો.