ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારના બાળકને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયોમોરબી : મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલી એક વાડીમાં રહીને મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના બાળક સાથે એક ગંભીર દુર્ઘટના બની છે. કચરામાંથી મળેલી રમકડાની જૂની બેટરી અચાનક ફાટી જતાં ૮ વર્ષનો માસૂમ બાળક શરીરના અનેક ભાગોમાં ગંભીર રીતે દાઝી ગયો હતો. હાલ બાળકને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે.મળતી વિગતો પ્રમાણે, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજપર ગામની વાડીમાં ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વેરુંભાઈ ગામડનો ૮ વર્ષનો પુત્ર બાદલ વાડીમાં રમતો હતો. રમતા-રમતા તેને કચરામાંથી એક જૂની રમકડાની બેટરી મળી આવી હતી. આ અજાણી વસ્તુ સાથે રમવા લાગતા અચાનક જોરદાર ધડાકો થયો હતો અને બેટરી ફાટી ગઈ હતી. જેના કારણે બાદલના ચહેરા, હાથ અને શરીરના અન્ય ભાગો ખરાબ રીતે દાઝી ગયા હતા.બેટરી ફાટવાના કારણે બાળકે રાડા-રાડ કરતા પરિવારજનો તાત્કાલિક દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત બાળકને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તાત્કાલિક તબીબી સારવાર શરૂ કરતા તેની તબિયતમાં સુધારો નોંધાયો છે. બાદલ બે બહેનોનો એકમાત્ર નાનો ભાઈ છે. વેરુંભાઈ ખેતમજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરે છે, ત્યારે આ અણધારી દુર્ઘટનાએ ગરીબ શ્રમજીવી પરિવારને ચિંતામાં ડુબાડી દીધો છે.આ બનાવની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસ અધિકારીઓએ હોસ્પિટલ પહોંચીને બાળકની હાલત અંગે જાણકારી મેળવી હતી અને આ કેસમાં પ્રાથમિક તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #RajparVillage #Accident #ChildSafety #GujaratNews