સ્વીફ્ટ કારમાં આવેલ ત્રણ શખ્સોએ એક્ટિવાને ટક્કર માર્યા બાદ છરી લઈ તૂટી પડ્યા મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર સરતાનપર રોડ નજીક સોમવારે બપોરે બે વાગ્યાના અરસામાં સ્વીફ્ટ કારમાં આવેલ ત્રણ શખ્સોએ એક્ટિવાને ટક્કર મારી રોકડ લઈને જતા યુવાનને પછાડી દઈ છરી વડે હુમલો કરી અંદાજે રૂ.8 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ જતા પોલીસ દોડતી થઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર સિરામિક ઝોન સરતાનપર રોડ પર બપોરે બે વાગ્યાના અરસામાં મની ટ્રાન્સફરનું કામ કરતો ફારૂકભાઈ રજાકભાઈ સુમરા ઉ.26 રહે.માણેકવાડા નામનો યુવાન એક્ટિવા લઈ અંદાજે દસેક લાખની રકમ લઈને જતો હતો ત્યારે લોનિક્સ સિરામિક કારખાના પાસે પહોંચતા સ્વીફ્ટ કારમાં આવેલ લૂંટારુઓએ એક્ટિવાને ટક્કર મારતા યુવાન નીચે પડી ગયો હતો.દસેક લાખની ઉઘરાણીની રકમ લઈને જતો યુવાન નીચે પડી જતા જ સ્વીફ્ટ કારમાથી ત્રણ શખ્સ નીચે ઉતર્યા હતા અને છરી સાથે યુવાન પર તૂટી પડી થેલો ઝુટવવા પ્રયાસ કરતા યુવાને પણ પ્રતિકાર કર્યો હતો.જો કે, આમ છતાં લૂંટારુઓ અંદાજે આઠેક લાખ જેટલી રકમ લઈ કારમાં નાસી ગયા હતા.ઘટનાને પગલે મોરબી પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી હતી.હાલમાં ઇજાગ્રસ્ત યુવકની પોલીસે પૂછતાછ શરૂ કરી છે.કારમાં આવેલ લૂંટારુઓ હિન્દીભાષી હોવાનું સામે આવ્યું છે ઉપરાંત કારમાં લગાવેલ નંબર પ્લેટ પણ બોગસ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.