બાળક તેના મામા સાથે રોડ ક્રોસ કરી રહ્યો હતો તે વેળાએ સર્જાયો અકસ્માત : તાલુકા પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરીમોરબી: મોરબી તાલુકાના નવાગામ-લીલાપર રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં કાર હડફેટે રોડ ક્રોસ કરી રહેલા 7 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ બનાવ 27/08/2026 ના રોજ સાંજે 19:15 કલાકની આસપાસ નવાગામ-લીલાપર રોડ પર આવેલી આજવીટો કંપની સામે બન્યો હતો. ફરિયાદી તોફાનભાઈ ઘુમસીંહ ભુરીયા (ઉ.વ. 31), જેઓ નવાગામ રોડ પર આવેલી સોમનાથ પેપરમીલની લેબર કોલોનીમાં રહે છે અને મજૂરી કામ કરે છે, તેમનો 7 વર્ષનો દીકરો અલ્પેશ તેના મામા દિનેશ કલાભાઈ ગમાર સાથે દુકાને ગયો હતો. રોડ ક્રોસ કરતી વખતે, આજવીટો કંપની સામે રોડ પર પસાર થતી GJ 36 AL 6122 નંબરની ફોરવ્હીલ કારના ચાલકે બાળકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં બાળકને માથાના અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે બાળકના પિતા તોફાનભાઈ ભુરીયાની ફરિયાદના આધારે પોલીસે GJ 36 AL 6122 નંબરની કારના ચાલક વિરુદ્ધ BNS ની કલમ 281 અને 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 184 અને 177 મુજબ 28/08/2026 ના રોજ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અનીલકુમાર હરીલાલ પરમાર ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #AccidentNews #MorbiPolice #RoadSafety #GujaratNews