માત્ર દોઢ કલાકમાં ડેમની સાઇટ ઉપર સવા ચાર ઇંચ વરસાદ : ડેમના હેઠવાસમાં આવતા 11 ગામોને એલર્ટ કરાયા ટંકારા : ટંકારાના ડેમી-2 ડેમ સાઈટ ઉપર દોઢ જ કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ડેમમાં ભારે આવકના પગલે ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને કારણે હેઠવાસમાં આવતા 11 ગામોને એલર્ટ કરાયા છે.મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-2 સિંચાઈ યોજના 45122 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. બપોરે 3:30 થી 4:30 દરમિયાન ડેમના વિસ્તારમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 4:30 થી 5 વાગ્યા દરમિયાન સવા એક ઇંચ વરસાદ પડ્યો છે. આમ છેલ્લા દોઢ કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. પરિણામે સાંજે 5:15 કલાકે ડેમના 7 દરવાજા 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાંથી 19957 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.નીચાણવાસમાં આવતા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા, જોડિયા તાલુકાના માવનુગામને એલર્ટ કરવામાં આવ્યા છે.