પહેલા સેફટી પછી બીજું બધું : મહાપાલિકાએ ડીમોલેશનની સાથે એક દિવસની ખુલ્લા નાલા, કુંડી અને વોકળાની ઝુંબેશ શરૂ કરવાની તાતી જરૂરિયાત મોરબી : મોરબીમાં ગત રોજ નવલખી ફાટક પાસે નાલાની ખુલ્લી કુંડીએ એક 6 વર્ષના બાળકનો ભોગ લીધો છે. તંત્રની બેદરકારીના કારણે એક નિર્દોષ બાળકનો જીવ ગયો છે. ત્યારે મહાપાલિકા જે ડીમોલેશન અને સ્વચ્છતાની ઝુંબેશો કરે છે તે સરાહનીય છે પણ પહેલા નાગરિકોની સેફટીને ધ્યાને લેવામાં આવે અને શહેરમાં 7 એવા સ્પોટ છે જેના ઉપર ધ્યાન આપે. નહિતર આ 7 સ્પોટ કોઈ નાગરિકને ભરખી જાય તેવી પ્રબળ શકયતા સેવાઈ રહી છે. -----------------------------------સ્પોટ - 1મોરબીમાં સામાકાંઠે કેસરબાગ પાસે ઓવરબ્રિજનું કામ ચાલુ છે. કેસરબાગ અને પોલીસ ચોકીની બાજુમાં જ પિલર બનાવવામાં માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. પણ છેલ્લા ઘણા સમયથી અહીં પિલર ઉભો કરવામાં આવ્યો નથી અને ખાડો યથાવત છે. અહીં સતત પાણી ભરેલું રહે છે. અગાઉ એક કાર ખાબકી હતી. આડસ મુકવામાં આવી છે પણ અડધી બાજુમાં જ મુકાઈ છે. આ મસ મોટો ખાડો ઊંડો છે. અહીં ઓવરબ્રિજનું કામ કરે છે શ્રમિક પરિવારના બાળકો જ રમતા હોય છે. -----------------------------------સ્પોટ -2 મોરબીમાં સામાકાંઠે નટરાજ ફાટકથી પોસ્ટ ઓફિસના રોડ ઉપર એલઇ ગ્રાઉન્ડની સામે હનુમાનજીના મંદિર પાસે વોકળો આવેલ છે. જેની દીવાલ માત્ર કહેવા પૂરતી જ છે અને તૂટેલી હાલતમાં છે. બાઇક કે વાહન ચાલક ખાબકે તેવી પરિસ્થિતિ છે. અહીં સ્ટ્રીટ લાઈટ નથી. વાહન ખાબકે તેવી શક્યતાઓ છે.-----------------------------------સ્પોટ -3 મોરબીમાં કેસરબાગ પાસે વરસાદી પાણી નિકાલનું જે નાલું છે જે ખુલ્લું છે. દીવાલની આડસ પણ નથી. અહીં કેસરબાગ બાજુમાં જ હોવાથી બાળકો આવતા હોય છે. ફરી કોઈ બાળક નાલામાં પડીને મોતને ભેટે તે પૂર્વે અહીં સેફટીના પગલાં લેવાય તે જરૂરી છે.-----------------------------------સ્પોટ -4 ગઈકાલે જે દુર્ઘટના બની તે નવલખી ફાટકની સામેની તરફ મારૂતિ પાર્ક સહિતની સોસાયટી બાજુ વોકળો આખો ખુલ્લો છે. જે ઊંડો અંદર કાદવ કીચડ છે. બન્ને તરફ સેફટી દીવાલ પણ નથી. વધુમાં અહીં રાત્રે સ્ટ્રીટ લાઈટ પણ નથી. બાળકો અહીં પડી જાય તેવી શક્યતાઓ છે. -----------------------------------સ્પોટ- 5મોરબીમાં રવાપર રોડથી જેલ રોડ જવાના રસ્તે વાઘપરાના નાકા પાસે વોકળો આવેલ છે. આ ધમધમતો રોડ છે પણ અહીં દીવાલ ન હોવાના કારણે અનેકવાર પશુઓ અંદર પડી ગયા છે. ત્યારે કોઈ વાહનચાલક અહીં ખાબકે તે પહેલાં દીવાલ બનાવવામાં આવે તે જરૂરી છે. -----------------------------------સ્પોટ- 6મોરબીમાં જેલ રોડથી રબારી વાસમાં જવાનો રસ્તો છે. ત્યાં વચ્ચે એક વોકળો આવે છે. અહીં વોકળાની અડધી દીવાલ તૂટેલી છે. જો આ દીવાલને બરાબર રીતે રીપેર કરવામાં નહિ આવે તો અહીં પણ દુર્ઘટના સર્જાવાની ભીતિ છે. -----------------------------------સ્પોટ -7મોરબીના કેનાલ રોડ ઉપર ઉમિયા સર્કલથી લઈ દલવાડી સર્કલ સુધી ઘણી બધી જગ્યાએ કેનાલ તૂટેલી હાલતમાં છે. અગાઉ બાળકો તેમજ પશુઓ પડી ગયાની ઘટનાઓ ઘટી છે. ગમે ત્યારે અહીં મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. -----------------------------------