12 થી 21 વર્ષના યુવાનો માટે શારીરિક-માનસિક વિકાસની તાલીમટંકારા : ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા અને બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના સંયુક્ત ઉપક્રમે આર્યસમાજ ટંકારા દ્વારા મે મહિનામાં એક વિશેષ 'પ્રાંતીય આર્યવીર પ્રશિક્ષણ ગ્રીષ્મ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. આ 7 દિવસીય તાલીમ શિબિર તારીખ 11 મે 2026 થી શરૂ થઈ છે અને 17 મે 2026 સુધી ટંકારા ખાતે ચાલશે.આ શિબિરમાં સહભાગી થનાર યુવાનો (આર્યવીરો) ના શારીરિક અને માનસિક વિકાસ માટે કરાટે, આત્મરક્ષણ, દંડ બેઠક, લાઠી, ભાલા, તલવારબાજી તેમજ સૂર્ય નમસ્કાર જેવી કળાઓનું સઘન પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત યોગ, પ્રાણાયામ, સંધ્યા-હવન, ધ્યાન અને ચિંતન દ્વારા આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનું પણ સિંચન કરવામાં આવી રહ્યું છે. શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં સાહસ, સંઘર્ષ, પુરુષાર્થ અને વ્યક્તિત્વ વિકાસની સાથે શિષ્ટાચાર અને નમ્રતા જેવા ગુણો કેળવવાનો છે.આ શિબિરમાં 12 વર્ષથી 21 વર્ષ સુધીના ભાઈઓ જ ભાગ લઈ રહ્યા છે, જેના માટે પ્રત્યેક શિબિરાર્થી દીઠ 100 રૂપિયા શુલ્ક રાખવામાં આવેલ છે. શિસ્તના ભાગરૂપે શિબિર દરમિયાન મોબાઈલ રાખવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.શિબિરનો પ્રારંભ ગત તારીખ 11-05-2026 ના રોજ સવારે 10 કલાકે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ, ટંકારા ખાતે કરવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન સમારોહના અધ્યક્ષ સ્થાને ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના ઉપપ્રમુખ ધનજીભાઈ આર્ય ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ ખાસ હાજરી આપી હતી. આ ઉપરાંત ટંકારા નગરપાલિકાના સદસ્યો ધવલભાઈ બરછા અને નટવરસિંહ પરમાર પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી આર્યવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.આ શિબિરના સફળ અને સુવ્યવસ્થિત આયોજન માટે સંરક્ષક સ્વામી દેવવ્રતજી, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ વાચોનિધિ આચાર્ય, મહામંત્રી દીપક ઠક્કર અને આર્યસમાજ ટંકારાના પ્રમુખ ભગવાનજીભાઈ ભીમાણી સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. આ શિબિરનું સમાપન આગામી તારીખ 17-05-2026 ના રોજ સવારે કરવામાં આવશે.#Tankara #MorbiUpdate #AryaSamaj #SummerCamp #YouthTraining #MorbiNews #TankaraNews #GujaratNews