વિટ્રીફાઇડ, ફ્લોર અને સેનેટરીવર્સ એસોસિએશન માટે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ ; હવે કમિટી ઉમેદવારો સાથે બેઠક યોજશેમોરબી : મોરબી સિરામિક એસોશિએશનમા પ્રતિષ્ઠાભર્યા પ્રમુખ સ્થાન માટે ચૂંટણી જાહેર થયા બાદ ગઈકાલે ફોર્મ ભરવાના આખરી દિવસ સુધીમાં કુલ ચાર પૈકી ત્રણ એસોસિએશનના પ્રમુખ બનવા સાત ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. હવે એસોસિએશનની કમિટી આ ઉમેદવારો સાથે બેઠક યોજી સમરસ પ્રમુખ નિમણૂક કરવા પ્રયાસ કરશે. જો તેમાં સફળતા મળશે તો ચૂંટણી નહિ યોજાઈ.મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ પદ માટે ચૂંટણી જાહેર થઈ છે જેમાં ગઈકાલે ઉમેદવારી રજૂ કરવાના આખરી દિવસ સુધીમાં વિટ્રીફાઈડ એસોશીએશન માટે અનિલભાઈ વડાવીયા, સુરેશભાઈ સરડવા અને મનોજભાઈ એરવાડીયા દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવેલ છે.જ્યારે ફ્લોર ટાઇલ્સ એસોશીએશન માટે હિતેશભાઈ પેથાપરા અને સંદીપભાઈ કુંડારીયાએ ઉમેદવારી પત્ર ભરેલ છે. ઉપરાંત સેનેટરીવેર એસોશીએશનમાં પ્રમુખ પદ માટે ચિરાગભાઈ કડીવાર અને ચેતનભાઇ પટેલ દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે. બીજી તરફ આ ચૂંટણી પ્રક્રિયામાં આગામી 23મી માર્ચ સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. જેથી જો કોઈ ઉમેદવારી પત્ર પાછા ન ખેંચાય તો ચૂંટણી યોજવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, મોટાભાગે એસોસિએશનમાં સમરસ પ્રમુખની નિમણૂક થતી આવે છે. સામાન્ય રીતે એકથી વધુ ઉમેદવાર હોય ત્યારે જે તે એસોસિએશનની કમિટી ઉમેદવારો સાથે બેઠક કરી સમજાવટથી પ્રમુખ નક્કી કરતા હોય છે ત્યારે આ વખતે ચૂંટણી થવાના અણસાર જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, મોરબી સિરામિક એસોશિએશનમા સેનેટરીવેરમાં 90, વિટ્રીફાઇડ એસોસિએશનમાં 270 અને ફ્લોર ટાઇલ્સમાં 90 સભ્યો નોંધાયેલ હોવાનું અને જે સભ્યોએ વાર્ષિક ફી ભરી હશે તેમને જ ચૂંટણીમાં મત આપવાનો અધિકાર મળશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.