જિલ્લાના કુલ 857 બૂથમાંથી 225 મતદાન મથકો સંવેદનશીલ : 26મીએ મતદાનની તૈયારીને લઈ કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલ દ્વારા જાહેર કરાઈ વિગતોમોરબી : મોરબી જિલ્લામાં આગામી તારીખ 26/4/2026 ના રોજ રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને મોરબી મહાનગરપાલિકાની આ ચૂંટણી માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલ દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીલક્ષી કામગીરી અને કડક સુરક્ષા વ્યવસ્થા અંગેની તમામ માહિતી આપવામાં આવી હતી.મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં અંદાજિત 739503 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં કુલ 544 મતદાન લોકેશન પર 857 જેટલા બૂથ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં વહીવટી તંત્રના 4285 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે. આ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે 102 ઝોનલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવી છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 246 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. મતદાન મથકો પર દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર તેમજ પીવાના પાણી અને તડકાથી બચવા છાંયડા સહિતની ન્યૂનતમ સુવિધાઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રિસીવિંગ, ડિસ્પેચિંગ અને કાઉન્ટિંગ સેન્ટર તેમજ સ્ટ્રોંગ રૂમ માટેની તમામ કામગીરી ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવી છે.કલેક્ટર કે.બી. ઝવેરીએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લાના કુલ 857 બૂથમાંથી 225 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે જિલ્લામાં એક પણ મતદાન મથક અતિ સંવેદનશીલ નથી. આચારસંહિતા ભંગ અંગે અત્યાર સુધીમાં કોઈ મોટી ફરિયાદ મળી નથી, પરંતુ નાની-મોટી ફરિયાદોના નિરાકરણ માટે ડીડીઓ અને ડાયરેક્ટર ડીઆરડીએ ગઢવીને નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે અને મળતી ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવામાં આવી રહ્યો છે. કલેક્ટરે મોરબીની જનતાને અપીલ કરી હતી કે ગત 2024 ની સામાન્ય ચૂંટણીમાં જેમ મોરબી સૌરાષ્ટ્રમાં મતદાનમાં પ્રથમ ક્રમે રહ્યું હતું, તેવી જ રીતે આ રવિવારે પણ રજાનો દિવસ ગણ્યા વિના લોકો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં પોતાની ફરજ અચૂક નિભાવે.જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપતા જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે જણાવ્યું હતું કે 26 તારીખે મતદાન અને 28 તારીખે મતગણતરી યોજાશે. 28 તારીખે મતગણતરી કેન્દ્ર પર ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ થ્રી-લેયર સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ચૂંટણીને લઈને 1 એસપી, 4 ડીવાયએસપી, 15 પીઆઈ, 45 પીએસઆઈ મળીને કુલ 2000 જેટલા હથિયારધારી, બિનહથિયારધારી, હોમગાર્ડ અને એસઆરપી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ડીજીપીની સૂચના મુજબ ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત 5 ક્યુઆરટી (QRT) ટીમો અને 52 સેક્ટર મોબાઈલ વાહનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. રેલીઓ અને સભાઓ માટે પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને કોઈપણ રાજકીય પક્ષ દ્વારા નિયમોનો ભંગ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ચૂંટણી પહેલા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે મુકેશકુમાર પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં નોંધાયેલા 1100 જેટલા પરવાનેદાર હથિયારો જમા લઈ લેવામાં આવ્યા છે. પ્રોહિબિશન અંતર્ગત અત્યાર સુધીમાં 1.5 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો છે. અસામાજિક તત્વોને ડામવા માટે 30 તડીપારની દરખાસ્ત અને 10 પાસાની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાંથી 8 પાસા મંજૂર થઈ ચૂક્યા છે. સાથે જ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અંતર્ગત દરરોજ અટકાયતી પગલાં લેવાની કામગીરી પણ પોલીસ દ્વારા સતત ચાલુ છે. મોરબી પોલીસ આ ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સંપૂર્ણ કટિબદ્ધ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratElections #LocalBodyElections2026 #MorbiCollector #MorbiPolice #VotingAwareness