ભુપેન્દ્રભાઈ ઉંમરમાં ભલે દાદા હોય, પણ સ્ફૂર્તિ અને લક્ષ્ય વેધવામાં યુવાનોને પણ શરમાવે છે : અત્યાર સુધીમાં સ્ટેટ અને નેશનલ લેવલે 41 જેટલાં મેડલ મેળવ્યા છેમોરબી : હાલમાં દિલ્હી ખાતે યોજાયેલ 67મીં રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનસીપમાં મોરબીના ભુપેન્દ્રભાઈ પટેલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેઓએ આ સિદ્ધિ હાંસલ કરી મોરબી જિલ્લા તેમજ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મૂળ હરીપળ કેરાળાના વતની અને હાલ મોરબીમાં નિવૃત જીવન જીવતા ભુપેન્દ્રભાઈ બાલુભાઈ પટેલ કે જેમના પિતા બાલુભાઈ પટેલ એસ. ટી.માં સુરેન્દ્રનગર નોકરી કરતા અને પોતે શૂટિંગમાં રસ ધરાવતા હતા. ગુજરાતી કહેવત પ્રમાણે ' મોરના ઈંડા ચીતરવા ના પડે ' એ માફક જ ભુપેન્દ્રભાઈ પટેલ નાનપણથી શૂટિંગમાં શોખ ધરાવે છે. NCC સિનિયર ડીવીઝનમાં પોતે રાષ્ટ્રીય કક્ષાએ 1985માં વિજેતા થયેલા હતા. ત્યારથી લઈને તેમણે 110 જેટલી રાજ્યસ્તરીય અને રાષ્ટ્રીય ચેમ્પિયનસીપમાં ભાગ લીધેલો છે. આ ઉપરાંત રાજ્યસ્તરે તેમજ રાષ્ટ્રીય કક્ષાએ 41 જેટલાં મેડલ મેળવેલા છે. ભુપેન્દ્રભાઈ પટેલ હોમ ગાર્ડ કમાન્ડર તરીકે સુરેન્દ્રનગર ફરજ બજાવતા હતા. વર્ષ 2010માં ત્યારના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યકક્ષાની ઉજવણીમાં સુરેન્દ્રનગર ખાતે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે તેમને સરકાર દ્વારા 2006માં નિશાન એવોર્ડ અને 2014માં સરદાર પટેલ જેવા એવોર્ડ પણ એનાયત થયેલ છે. પોતે આઈ. એસ. એસ. એફ. ની પરીક્ષા પાસ કરેલી છે જેનાથી તેઓ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જયુરી તરીકે જઈ શકે છે. ભારત સરકાર દ્વારા ખ્યાતનામ શૂટર તરીકે ચાર વખત એવોર્ડ મેળવેલ છે. ભુપેન્દ્રભાઈ પટેલ નાના પાટેકર, રાહુલ ગાંધી અને પેરિસ ઓલમ્પિકની વિજેતા મનુ ભાકરના કોચ જસપાલસિંહ રાણા સાથે શુટિંગ મેચ રમેલા છે. હાલમાં તેમની નીચે ઘણા શૂટર્સ તૈયાર થાય છે. તેમણે જણાવ્યું હતું કે શૂટિંગથી માણસની એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો થાય છે આ ઉપરાંત શૂટિંગ માટે શારીરિક કસરત પણ ખૂબ જરૂરી છે. હાલમાં પણ તેઓ રોજ કલાકો સુધી પ્રેક્ટિસ કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે તેમનો સંપૂર્ણ પરિવાર શૂટિંગ સાથે જોડાયેલ છે અને દિલ્હી ખાતે યોજાયેલ 67મીં રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં પિતા-પુત્રએ સાથે ભાગ પણ લીધો હતો. આમ ભુપેન્દ્રભાઈ પટેલનું જીવન આજના દરેક યુવાન માટે પ્રેરણાત્મક છે.