આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 6 દિવસથી ફોગિંગ અને સર્વેની કામગીરી યથાવત: લોકોને શુ સાવચેતી રાખવી તે અંગે માર્ગદર્શન પણ અપાયું હળવદ : હળવદના સુરવદર ગામમાં ડેન્ગ્યુના 6 પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. છેલ્લા 6 દિવસથી ગામમાં ઇન્ટ્રા ડોમેસ્ટિક, પેરા ડોમેસ્ટિક ચેકિંગ અને આઈ.ઈ.સી. (IEC) દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે છેલ્લા 3 દિવસથી ગામમાં સતત ફોગિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય તંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને આગામી 7 દિવસમાં કોઈ નવો કેસ ન નોંધાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.ડેન્ગ્યુથી બચવા લોકોએ શું ધ્યાન રાખવું?ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર હંમેશા ચોખ્ખા અને સ્થિર પાણીમાં જ ઈંડા મુકે છે. આથી ઘરમાં અને આસપાસ રહેલા પક્ષીકુંડ, ફ્રીજની પાછળની પાણીની ટ્રે કે અન્ય ખુલ્લા વાસણોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવો અત્યંત જરૂરી છે. આવા પાત્રોને અઠવાડિયામાં 1 દિવસ સંપૂર્ણ ખાલી કરી, બરાબર સુકવીને જ ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ, આમ કરવાથી મચ્છરની ઉત્પત્તિ 90 ટકા જેટલી ઘટાડી શકાય છે.ડેન્ગ્યુના મચ્છર મોટાભાગે સાંજના સમયે વધુ કરડતા હોય છે. આથી સાંજના સમયે બહાર નીકળતી વખતે આખી બાંયના (ફૂલ સ્લીવ) કપડાં પહેરવા જોઈએ અને રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો અચૂક ઉપયોગ કરવો હિતાવહ છે.ડેન્ગ્યુના લક્ષણો અને સચોટ નિદાનડેન્ગ્યુનું સૌથી પહેલું અને મુખ્ય લક્ષણ તાવ આવવો છે. તાવની સાથે શરીરમાં સખત દુખાવો થઈ શકે છે અને ગંભીર કિસ્સાઓમાં હેમરેજ થવાની શક્યતા રહે છે. તાવ આવે ત્યારે તબીબની સલાહ મુજબ પ્લેટલેટ કાઉન્ટ કરાવવા જોઈએ, પરંતુ માત્ર પ્લેટલેટ ઘટવા તેને ડેન્ગ્યુ ગણી શકાય નહીં. ડેન્ગ્યુના સચોટ નિદાન માટે NS1 રિપોર્ટ કરાવવો પડે છે અને તે પોઝિટિવ આવે તો જ તેને ડેન્ગ્યુ કન્ફર્મ ગણવામાં આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સામાન્ય તાવ આવે તો પણ તાત્કાલિક નજીકના દવાખાને તપાસ કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.#MorbiUpdate #Survadar #Dengue #HealthDepartment #MorbiNews #DengueAwareness #Gujarat #HealthAlert #MonsoonDiseases