ફેઝ-1માં નહેરુ ગેટથી દરબારગઢ વિસ્તારમાં રૂ.11.85 કરોડના ખર્ચે 22 કીમીની ડ્રેનેજ લાઈન નખાશે, જ્યારે ફેઝ-2માં લાયન્સનગર, મહેન્દ્રપરા, માધાપર વિસ્તારમાં રૂ.10.10 કરોડના ખર્ચે 17.8 કીમીની લાઈન નખાશેમોરબી : આમ તો અત્યારે મોટાભાગના તાલુકા મથકોએ તેમજ અનેક ગામડાઓમાં ભૂગર્ભ ગટરની સુવિધા ઉપલબ્ધ બની ગઈ છે. તેમ છતાં સિરામિક નગરી એવા મોરબી શહેરમાં હજુ પણ 50 કિમિ જેટલી ગટરો ખુલ્લી છે. ત્યારે મોરબી શહેરને ખુલ્લી ગટર મુક્ત કરવા મહાપાલિકા દ્વારા રૂ.22 કરોડના ખર્ચે બે ફેઝમાં ભુગર્ભ ગટરની કામગીરી કરવાની જાહેરાત કરવામાં આવી છે. મોરબીમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી તેને 1 વર્ષ જેટલો સમય થયો છે. જ્યારે નગરપાલિકાનું તો દાયકાઓથી રાજ રહ્યું છે. છતા પણ શહેરમાં પાયાની સુવિધા આપવામાં પાલિકા અસમર્થ રહી છે. અત્યારે રાજ્યની અનેક ગ્રામ પંચાયતો પણ ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ધરાવે છે. તેવામાં મોરબી શહેરમાં હજુ પણ ખુલ્લી ગટરો મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. ત્યારે મહાપાલિકાએ જાહેરાત કરી છે કે ફેઝ-1માં નહેરુ ગેટથી દરબારગઢ વિસ્તારમાં રૂ.11.85 કરોડના ખર્ચે 22 કી.મીની જુદી જુદી વ્યાસની ડ્રેનેજની લાઈન નાખવામાં આવશે અને ફેસ-2માં લાઇન્સનગર, મહેન્દ્રપરા, માધાપર વગેરે વિસ્તારમાં રૂ.10.10 કરોડના ખર્ચે 17.8 કી.મીની જુદી જુદી વ્યાસની ડ્રેનેજની લાઈન નાંખવામાં આવશે. હાલ ખુલ્લી ડેનેજ લાઈનોને કારણે આરોગ્ય પર જોખમો અને પર્યાવરણ પ્રદૂષણ, પાણી ભરાવાને કારણે વધતી જતી બીમારીઓનું જોખમ, ગંદાપાણીના વહન અને જાળવણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવાની થતી જરૂરિયાતને ધ્યાને લેતા આ પ્રોજક્ટ શરૂ કરવામાં આવશે. તેમ મહાપાલિકાના સિટી ઈજનેર દ્વારા જણાવાયુ છે.