સિરામિક અને ક્લોક ક્ષેત્રે વિશ્વવિખ્યાત મોરબીની પરિવહન સુવિધા અંગે નવા બજેટમાં રાહતલક્ષી જોગવાઈ કરવાની માંગ મોરબી : મોરબી જિલ્લો બન્યાને પાંચ વર્ષ જેટલો સમય થયો છે. તેમ છતાં લાંબા અંતરની ટ્રેનની સુવિધા હજુ સુધી મોરબીને મળી નથી. ત્યારે આ મામલે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલમંત્રીને રજુઆત કરીને નવા વર્ષના બજેટમાં મોરબીની પરિવહન સુવિધા અંગે રાહતલક્ષી જોગવાઈ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રેલમંત્રીને રજુઆતમાં જણાવાયું હતું કે મોરબી આજે સિરામિક અને ક્લોક ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ બન્યું છે. અહીં હજારો કર્મચારીઓ બહારના રાજ્યમાંથી રોજગાર મેળવી રહ્યા છે. ઉપરાંત અહીંથી પણ મોટી સંખ્યામાં વેપારીઓ બીજા રાજ્યમાં જતા હોય છે. તેવી જ રીતે બીજા રાજ્યના વેપારીઓ પણ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે. આ તમામ લોકોની સરળતા માટે મોરબીને લાંબા અંતરની ટ્રેનોની સુવિધા મળવી એ સમયની માંગ છે. વધુમાં જણાવાયું હતું કે રાજકોટથી બીજા રાજ્યમાં જતી ટ્રેનો વાંકાનેર તરફથી ચાલી જાય છે. અને કચ્છમાંથી બીજા રાજ્યમાં જતી ટ્રેન હળવદ તરફથી જ ચાલી જાય છે. મોરબી જિલ્લો બન્યાને પાંચ વર્ષ થયાં છે. તેમ છતાં મોરબીને લાંબા અંતરની ટ્રેનની સુવિધા મળી નથી. માટે હવે લાંબા અંતરની ટ્રેનો મોરબી સુધી લંબાવવામાં આવે તેમજ નવા વર્ષના બજેટમાં મોરબીની પરિવહન સુવિધા અંગે રાહતલક્ષી જોગવાઈ કરવામાં આવે તેવી માંગ છે.