હરિદ્વારથી તા.18એ થયા રવાના, ગુજરાતમાં પ્રવેશી પહેલા થરા, ત્યારબાદ હળવદ અને પછી નાગેશ્વરમાં મહાદેવ મંદિરોમાં જળાભિષેક કરી યાત્રા પૂર્ણ કરશેહળવદ : શ્રાવણમાં કાવડ યાત્રાનું ખુબ મહત્વ છે. આ યાત્રા તેના કપરા નિયમોને કારણે ખૂબ કઠિન છે. ત્યારે હળવદના 5 ભરવાડ યુવાનોએ સાયકલ ઉપર કાવડ જેવી જ 1700 કિમીની યાત્રા ખેડી છે. આ યુવાનો હરિદ્વારથી નીકળી ગયા છે. તેઓ ગુજરાત આવી વિવિધ શિવાલયોમાં જળાભિષેક કરી પોતાની યાત્રા પૂર્ણ કરશે. હળવદના ગોવિંદભાઇ મયાભાઈ ભરવાડ, મુકેશભાઈ મશરુંભાઈ ભરવાડ, મુકેશભાઈ રણછોડભાઈ ભરવાડ, જયદીપભાઈ ભરતભાઇ ભરવાડ અને શ્યામભાઈ રાજુભાઇ ભરવાડ તા.18 જુલાઈએ હરિદ્વારથી સાયકલ લઈને નીકળ્યા છે. તેઓ ગંગાજળ લઈને 1700 કિમીનો પ્રવાસ સાયકલ લઈને ખેડવાના છે. આજે 10મો દિવસ ચાલી રહ્યો છે. તેઓ રાજસ્થાનના પાલી પહોંચશે. આગામી બે દિવસમાં તેઓ ગુજરાતમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં આવી તેઓ પ્રથમ થરામાં ભરવાડ સમાજની ગુરૂગાદીની જગ્યાએ આવેલ ગ્વાલીનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કરશે. ત્યારબાદ હળવદ આવી અહીં ગોપાલધામ ખાતે આવેલ ગોપાલેશ્વર મહાદેવ અને સરા ચોકડીએ આવેલ વૈધનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કરશે. ત્યાંથી તેઓ દ્વારકા જઈ ત્યાં દ્વારકાધીશને શીશ ઝુકાવશે. બાદમાં નાગેશ્વર જઈ ત્યાં જળાભિષેક કરશે. આ અંગે ગોવિંદભાઇ ભરવાડે જણાવ્યું કે તેઓને કોઈ માનતા ન હતી. લોકો શ્રાવણમાં ઉપાસના કરતા હોય છે. જેની પાછળનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે કે આ સમયે ફળનો આહાર અને અન્ય આહાર જેટલો ઓછી માત્રામાં કરવામાં આવે તેટલુ શરીર સ્વસ્થ રહે. આમ અમે આ યાત્રા આસ્થાના લીધે તો ખેડી જ છે. સાથોસાથ લોકો સાયકલ ચલાવી સ્વસ્થ રહે તેવો સંદેશ આપવા માટે પણ ખેડી છે.