અમરેલી, શકત શનાળા, એસપી રોડ, સર્કિટહાઉસ સામે નવા ચાર ફાયર સ્ટેશન તેમજ હયાત ફાયર સ્ટેશનનું નવીનીકરણ થશેમોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ક્લસ્ટર મોરબીમાં અગ્નિશમન સુવિધાઓનો વ્યાપ વધારવા માટે મહાનગર પાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ સીરામીક ઇન્ડસ્ટ્રીઝની માંગણીને કેન્દ્રમાં રાખી શહેરમાં ચાર સ્થળે અતિ આધુનિક ફાયર સ્ટેશન નિર્માણ કરવાની સાથે શહેરમાં હયાત સુધારા શેરી ખાતેના મુખ્ય ફાયર સ્ટેશનનું નવીનીકરણ કરવા 40 કરોડથી વધુનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. જેમાં સુધારા શેરી ફાયર સ્ટેશનની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ થશે જયારે અન્ય ફાયર સ્ટેશન માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.મોરબી મહાનગર પાલિકના બિલ્ડીંગ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ મોરબી શહેરમાં અગ્નિ શમન સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા માટે રૂ.40 કરોડથી વધુનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કે શહેરમાં સુધારા શેરીમાં આવેલ જુના ફાયર સ્ટેશનને રૂ.1.40 કરોડના ખર્ચે અદ્યતન બનાવવામાં આવશે. આ માટે હાલમાં જૂનું ફાયર સ્ટેશનના ભંગાર સહિતનો સામાન સ્થળાંતર કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ પાસે મોડેલ ફાયર સ્ટેશન વિકસાવવા પણ ગતિવિધિ તેજ કરવામાં આવી છે. જેમાં 8.31 કરોડના ખર્ચે અહીં ક્વાટર્સ, ગાર્ડન, પાર્કિંગ અને મોકડ્રિલ ટાવર સહિતની સુવિધા તેમજ બે લાખ લીટર પાણીની ટેન્કર સાથેની સુવિધા હશે.વધુમાં મહાનગર પાલિકા દ્વારા મોરબી શહેરમાં આગની ઘટના બનેતો ત્વરિત પહોંચી શકાય તે માટે શહેરના એસપી રોડ પર 8.53 કરોડ રૂપિયાના ખર્ચે ગાર્ડન, પાર્કિંગ, ટ્રેનિંગ સેન્ટર સહિતની સુવિધા સાથે ફાયર સ્ટેશન નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત શનાળા ખાતે પણ 9.21 લાખ રૂપિયાના ખર્ચે ઝોનલ ફાયર સ્ટેશન નિર્માણ થશે જેમાં ક્વાટર્સ, ગાર્ડન અને પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.શહેરમા નવા ફાયર સ્ટેશન આગામી છએક માસના સમયગાળામાં કાર્યરત કરવા માટે હાલમાં ટેન્ડર સહિતની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.અમરેલીમાં રૂ.12.25 કરોડના ખર્ચે બનશે ફાયર સ્ટેશનમોરબી મહાનગર પાલિકા દ્વારા હાલમાં શહેરમાં જુના એક ફાયર સ્ટેશન અને ચાર નવા ફાયર સ્ટેશન બનાવવા કાર્યવાહી શરૂ થઇ છે. જેમાં મોરબીમાં ભળી ગયેલા અમરેલી ગામ નજીક રૂ.12.25 કરોડના ખર્ચે અદ્યતન ફાયર સ્ટેશન નિર્માણ કરવામાં આવશે. જેમાં સ્વિમિંગ પુલ, ટ્રેનિંગ સેન્ટર, ક્વાટર્સ, મોકડ્રિલ ટાવર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. અમરેલી ખાતે ફાયર સ્ટેશનના નિર્માણ બાદ નજીકના ઈન્ડસ્ટ્રીય વિસ્તારમાં આગની ઘટના બને તો અહીંથી સરળતાથી આજુ બાજુના વિસ્તારમાં અગ્નિશમન માટેની સેવાઓ ત્વરિત પુરી પાડી શકાશે.