દીકરીઓને કરિયાવરમાં સોના-ચાંદીના દાગીના અને ફ્રીજ સહિતની 79થી વધુ ચીજવસ્તુઓ ભેટ અપાઈમોરબી: મોરબીના રામધન આશ્રમ ખાતે દશનામ ગોસ્વામી સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા પ્રવીણભારતી ચંદ્રકાંતભારતી અને ટીમ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 5 નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નગ્રંથિમાં જોડાઈ નવું જીવન શરૂ કર્યું હતું. સમિતિ દ્વારા દીકરીઓને કરિયાવરમાં સોના-ચાંદીના દાગીના, ફ્રીજ સહિત ઘરવખરીની 79થી વધુ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન અને મહામંડલેશ્વર 1008 પૂજ્ય રત્નેશ્વરીદેવીજીએ નવદંપતીઓને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, જગતમાં કન્યાદાનથી મોટું કોઈ દાન નથી, જો જીવનમાંથી વેર, વહેમ અને વ્યસન છૂટી જાય તો જીવન ધન્ય બની જાય છે. તેમજ લગ્નમાં થતા ખોટા ખર્ચ અને ફેશનના નામે થતા ડેકોરેશન બંધ કરી આવા સમૂહ લગ્નોમાં જોડાવું જોઈએ. આનાથી સમાજમાં સંગઠન અને એકતા મજબૂત બને છે. વધુમાં તેઓએ બાળકોને મોબાઈલથી દૂર રાખી શિક્ષણ અને સંસ્કાર આપવા પર ભાર મૂક્યો હતો.કાર્યક્રમમાં પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વહુને દીકરી માનીને રાખવામાં આવે તો સમાજમાં ઘરકંકાસ કે છૂટાછેડાના પ્રશ્નો ઉભા થતા નથી. આ ઉપરાંત જાણીતા ભજનીક રીટાબેન ગોસ્વામી અને રમીલાબેન ગોસ્વામીએ 'ઓ મેરી લાડકી' ગીત રજૂ કરી સૌને ભાવવિભોર કર્યા હતા.આ આયોજનને સફળ બનાવવા માટે સમિતિના પ્રવીણભારતી ચંદ્રકાંતભારતી, ડો. જયદીપપુરી મનસુખપુરી, પ્રવીણગીરી વસંતગીરી, રાજેશપુરી બટુકપુરી સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. છેલ્લા 15 વર્ષથી સતત આ સમૂહ લગ્નનું આયોજન માત્ર સમાજના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે.#Morbi #SamuhLagna #GoswamiSamaj #MorbiUpdate #SocialService #GujaratNews #CommunityUnion #RamdhanAshram