'મહા' વાવાઝોડાની સંભવિત અસરને લઈને જિલ્લા તંત્ર એક્શન મોડ ઉપર : 23 ગામોને અસર પડે તેવી સંભાવના : વાવાજોડાને કારણે માર્કેટિંગ યાર્ડ 3 દિવસ બંધ રહેશે મોરબી : મોરબી જિલ્લામાં મહા વાવાઝોડાની સંભવિત અસરને લઈને સમગ્ર જિલ્લા તંત્ર એક્શન મોડ ઉપર આવીને રાહત અને બચાવની કામગીરી કરવા માટે સક્રિય થયું છે અને મોરબી જિલ્લાના રણ કાંઠાના 23 ગામોના 4760 લોકો સંભવિત મહા વાવાઝોડાના અસરગ્રસ્ત હોવાનું નક્કી કરીને જો આ લોકોને અન્યત્ર ખસેડવાની પરિસ્થિતિ ઉભી થાય તો આ માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે. રાજ્યના હવામાન વિભાગે આગામી તા.6 થી ત્રણ દિવસ સુધી મહા વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી કરવામાં આવી છે અને મહા વાવઝોડાની મોરબી જિલ્લાના દરિયા કાંઠાના વિસ્તારોમાં વધુ અસર થાય તેવી સંભાવના દર્શાવતા મોરબીનું સમગ્ર જિલ્લા તંત્ર એક્શન મોડ ઉપર આવી ગયું છે જોકે બે દિવસ પહેલા મહા વાઝોડાની થોડી અસર વર્તાઈ હતી અને ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા.ત્યારે મહા વાવાઝોડાની સંભવિત અસરને લઈને મોરબીનું જિલ્લા તંત્ર વધુને વધુ એલર્ટ થઈને આ વાવઝોડાની કયાં વધુ અસર થશે તે અંગેની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.જેમાં મોરબી જિલ્લાના દરિયા અને રણ કાંઠાના 23 ગામોના 4760 લોકોને આ વાવાઝોડાની અસર થાય તેવું નક્કી કરીને આ લોકોને અન્યત્ર ખસેડવાના થાય તો એના માટેની અગાઉથી તૈયારી કરી રાખી છે.જયારે જિલ્લા કલેકટર જે.બી. પટેલે તમામ જિલ્લાના અધિકારીઓની રજા રદ કરીને હેડ ક્વાર્ટર ન છોડવાનો આદેશ આપ્યો છે.તમામ તાલુકામાં એક ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે.અને કંટ્રોલ રૂમ24 કલાક ધમધમતો કરી દેવામાં આવ્યો છે.આ કંટ્રોલ રૂમમાં રાત્રે વર્ગ 1 ના અધિકારીઓ ફરજ પર હાજર રહેશે.જિલ્લા કલેકટર સમગ્ર જિલ્લાની પરિસ્થિતિનું અવલોકન કરીને અધિકારીઓ સાથે બેઠક કરીને જરૂરી સૂચના આપશે.આરોગ્ય વિભાગે પણ તમામની રજા રદ કરી નાખી છે.આરોગ્ય વિભાગ દ્વારા તા.10 સુધીના ડીલેવરીના કેસોમાં સર્ગભા બહેનોને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.જ્યારે માર્કેટીંગ યાર્ડ પણ વાવાઝોડાના કારણે તા.5,6 અને 7ના રોજ બંધ રહેશે ત્યારે સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા તંત્રએ તૈયારીઓ કરી લીધી છે.