વડાપ્રધાનના રાજકોટ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાંથી 100 બસમાં 5000 લોકો જશે મોરબી : આગામી તા.27ને ગુરુવારે રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદઘાટન સમારોહમાં આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભામાં મોરબી જિલ્લાના 5000 નાગરિકો 100 બસ મારફતે જાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે સાથે જ મોરબી ડેપોની 20 અને વાંકાનેર ડેપોની 25 બસ વડાપ્રધાનના કાર્યક્રમ માટે ફાળવવામાં આવતા ગુરુવારે મોરબી જિલ્લાના મુસાફરોને બસ મળવામાં આગવડતા પડશે. રાજકોટના હિરાસર ખાતે નવનિર્મિત ઇન્ટરનેશનલ એરોપોર્ટના ઉદઘાટન સહિતના કાર્યક્રમો બાદ વડાપ્રધાન રાજકોટ રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધન કરનાર હોય મોરબી શહેર -જિલ્લા ભાજપ દ્વારા આ જાહેરસભામાં જિલ્લામાંથી વિશાળ જનમેદની ઉમટી પડે તેવા પ્રયાસો કરી રહ્યું છે, વધુમાં મોરબી જિલ્લામાંથી વડાપ્રધાનની જાહેરસભામાં જવા માટે 100 બસ ફાળવવામાં આવી છે અને અંદાજે 5000 લોકો મોરબી જિલ્લાથી જાહેરસભામાં જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ વડાપ્રધાનના કાર્યક્રમમાં અંદાજે 3000 જેટલી એસટી બસ ફાળવવામાં આવનાર હોય મોરબી એસટી ડેપો દ્વારા અલગ અલગ રૂટ કેન્સલ કરી 20 બસ તેમજ વાંકાનેર ડેપો દ્વારા રાજકોટ મોરબી વચ્ચે ચાલતી ઇન્ટરસિટીના 5 રૂટ કેન્સલ કરી 25 બસ ફાળવવામાં આવી છે અને મોરબી તેમજ વાંકાનેર ડેપોની આ 45 જેટલી બસને પડધરી તેમજ કોટડા સાંગાણી તાલુકામાં ફાળવવામાં આવી હોવાનું જાણવા મળે છે.