કાલે બુધવારે લોકડાયરો યોજાશે : જાણીતા કલાકારો કરાવશે જમાવટ મોરબી : મોરબીના અદેપર ગામે મજોકાઠા રબારી સમાજ દ્વારા આગામી ૧૭મીએ માતાજીના નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે યજ્ઞના પૂર્વદિને કાલે ૧૬મીએ લોકડાયરો પણ યોજાશે. મોરબીના અદેપર ગામે મજોકાઠા રબારી સમાજના ચાર મઢ વાળા માતાજીના આંગણે નવચંડી યજ્ઞનું આગામી તા. ૧૭ને ગુરૂવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ તકે ભુવા મેરામણઆતા, જેઠાઆતા, નારણઆતા, મહંત બંસીદાસબાપુ તેમજ ડીડીઓ એસ.એમ. ખટાણા ઉપસ્થિત રહેશે. યજ્ઞના પૂર્વદિને તા. ૧૬ને બુધવારે બાલાજી સાઉન્ડના સથવારે ભવ્ય લોકડાયરો પણ યોજાશે. જેમાં ભજનિક દયારામ ભગત, લોક ગાયિકા રસ્મિતાબેન રબારી, લોક સાહિત્યકાર લાભભા ગઢવી, સંતવાણી કલાકાર અરવિંદ મહારાજ પોતાની કલા પીરસશે. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.