50 ટકા બુથ ઉપર વેબ કાસ્ટિંગ કરાશે, મોરબી બેઠક પર 17 ઉમેદવારોને કારણે દરેક બુથમાં બે બેલેટ યુનિટ રખાશે મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકોની વિધાનસભાની ચૂંટણીમાં હવે પ્રચાર પડઘમ શાંત થયા બાદ ચૂંટણી પ્રક્રિયાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. આજે બુધવારે સવારથી ત્રણેય બેઠકના રિસીવિંગ અને ડિસપેચ સેન્ટર ખાતે ઇવીએમ સાથે પોલીગ સ્ટાફ આજે રવાના થઈ રહ્યો છે મોરબી જિલ્લાના 906 બુથ પર ચૂંટણી કાર્ય માટે આજથી 4300 સ્ટાફ હાજર થઈને મોરચો સંભાળી લેશે.50 ટકા બુથ ઉપર વેબ કાસ્ટિંગ કરાશે અને મોરબી બેઠક પર 17 ઉમેદવારોને કારણે બુથમાં બે બેલેટ યુનિટ રખાશે. ગુરુવારે ત્રણેય બેઠકો પર જિલ્લાના 8 લાખથી વધુ મતદારો લોકશાહીનું પર્વ ઉજવીને કુલ 35 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સિલ કરશે. મોરબી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે બુધવારે અને મતદાનના દિવસે ગુરુવારે બે દિવસ સુધી ચૂંટણી કાર્યનો ધમધમાટ ચાલશે. મોરબી બેઠક પર આર.ઓ. ડી.એ .ઝાલાએ માહિતી આપી હતી કે 299 બુથમાંથી 31 સંવેદનશીલ બુથ છે અને 150 જેટલા બૂથમાં વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. તેમજ 1300થી વધુનો પોલીગ સ્ટાફ આજથી હાજર થઈ જશે કુલ 29 ઝોન પાડી 50 બસમાં ઇવીએમ સહિતની 100 ચૂંટણીને લગતી સામગ્રી રવાના કરવામાં આવી રહ્યો છે. ઘુંટુ ખાતે સરકારી પોલી ટેક્નિક કોલેજમાં આવેલ રિસીવિંગ અને ડિસપેચ સેન્ટર ખાતે ઇવીએમ સાથે આજે બુધવારે સવારથી જ તમામ પોલીગ સ્ટાફને ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે રૂટ મુજબ રવાના કરાયા હતા. ટંકારા બેઠક પર ઉપર ચૂંટણી અધિકારી ડી.સી. પરમારે જણાવ્યું હતું કે પાંચ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. ટંકારા બેઠક પર 300 જેટલા બુથ, 48 સંવેદનશીલ બુથ, 196 જેટલા સ્થળ, 1600 પોલીગ સ્ટાફ તેમજ 37 જેટલા ઝોન ગોઠવવામાં આવ્યા છે. 57 બસમાં ઇવીએમ સહિતની સામગ્રી સાથે આજે સવારથી તમામ પોલીગ સ્ટાફ ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતેથી રવાના થશે. 150 જેટલા બુથ ઉપર વેબ કાસ્ટીગ કરવામાં આવશે જેનું લાઈવ પ્રસારણ સ્થાનિક ચૂંટણી તંત્ર અને રાજ્યનું ચૂંટણી તંત્ર નિહાળીને બાજ નજર રાખી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વાંકાનેર બેઠક અંગે ચૂંટણી અધિકારી શેરસિયાએ જણાવ્યું હતું કે 307 મતદાન બુથ , 69 સંવેદનશીલ બુથ, 201 સ્થળ, 153 બુથમાં વેબ કાસ્ટિંગ, 37 રૂટમાં 1500 જેટલા પોલીગ સ્ટાફ ગોઠવવામાં આવ્યા છે.આ રીતે જિલ્લાની ત્રણેય બેઠકો પર તમામ બુથ પર પોલીગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ, હોમગાર્ડસ, અર્ધ લશ્કરી દળ આજે બુધવારે જ ચૂંટણી મોરચે હાજર થઈ ચૂંટણી કાર્યમાં જોડાઈ ગયો છે.