સરકારના આદેશને પગલે ટીડીઓએ વીસીઇને છુટા કરતા ભારે રોષ સરકાર આ નિર્ણય પરત ન ખેંચે તો તા.17 મીએ વીસીઈઓએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી મોરબી : મોરબીના વીસીઇ કર્મચારીઓને લાંબા સમયથી હડતાલ ચાલુ રાખવી હાલ ભારે પડી છે. લાંબા સમયથી હડતાલને પગલે ગ્રામ પંચાયતની કામગીરી ખોરવાતા લોકોને પડતી હાલાકીને ધ્યાને લઈને ટીડીઓએ સખત વલણ અપનાવીને મોરબી તાલુકાના હડતાલ પર ઉતરેલા 42 વીસીઈને છુટ્ટા કરી દીધા છે. સરકારના આદેશને પગલે ટીડીઓએ વીસીઇને છુટા કરતા ભારે રોષ વ્યાપી ગયો છે અને સરકાર આ નિર્ણય પરત ન ખેંચે તો તા.17 મીએ વીસીઈઓએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. રાજ્યની સાથે મોરબી તાલુકાની ગ્રામ પંચાયતમાં વિવિધ કામગીરી માટે કોમ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા વીસીઇ કર્મચારીઓએ ગત તા.8 સ્પેમ્બરના રોજ કાયમી કરવા, વેતન વધારા સહિતના પડતર પ્રશ્ને સરકાર સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ હતું અને મોરબી તાલુકાના તમામ વીસીઈ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા હતા. એક તરફ વીસીઈ કર્મચારીઓ પોતાની માંગને લઈને અડગ હોય અને સામેપક્ષે સરકારે પણ નમતું ન જોખતા આ હડતાલ લાંબી ચાલવાથી ગ્રામ પંચાયતની તમામ કામગીરી ખોરવાઈ ગઈ હતી અને લાંબો સમય હડતાલ લોકોને ભારે પરેશાની ભોગવવી પડતી હોવાથી આ મુદ્દે કોઈ બાંધછોડ કરવા સરકાર તૈયાર ન હોય અને સખત વલણ અપનાવીને હડતાળ ઉપર ઉતરેલા આ કર્મચારીઓને છુટા કરવાનો પરિપત્ર જાહેર કર્યો હતો. જેના પગલે મોરબી તાલુકાના હડતાલ ઉપર ઉતરેલા 42 જેટલા વીસીઇને નોકરીમાંથી છુટા કરી દેવાનો આદેશ આપ્યો હતો અને તલાટીને વીસીઈની નવી ભરતી કરવાની તાકીદ કરી છે. સરકારના આ નિર્ણય સામે વીસીઈ સંગઠને ભારે વિરોધ કર્યો છે અને છુટા કરવાનો નિર્ણય પરત ન ખેંચાય તો 17મીએ આંદોલન કરવાની ચીમકી આપી છે.