શહેરના કેટલાક વિસ્તારમાં એકાતરા તો કેટલાક વિસ્તારમાં દૈનિક પાણી વિતરણ : કોર્પોરેશન દ્વારા શહેરીજનોને દૈનિક 100 એમએલડી એટલે કે, દસ કરોડ લીટર પાણીનું સરેરાશ કરાતું વિતરણમોરબી : સિરામિક નગરી મોરબીમાં ઓણસાલ ઉનાળાના આકરા તાપ વચ્ચે પણ પાણીની તંગી નહિ સર્જાઈ, મોરબીની જીવાદોરી મચ્છુ -2 ડેમમાં હાલમાં 1314 એમસીએમટી જળરાશી ઉપલબ્ધ છે જે ટકવારીની દ્રષ્ટિએ જોવામાં આવે તો ડેમ હજુ 42 ટકા ભરેલો છે. ડેમમાંથી દૈનિક સાતથી આઠ એમસીએફટી પાણીનો ઉપાડ કરવામાં આવી રહયો છે જેથી આગામી પાંચ માસ સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ હોવાનું સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ કોર્પોરેશન દ્વારા પાણી વિતરણ માળખાને સુદ્રઢ બનાવવા પ્રયાસો હાથ ધરી અનેક વિસ્તારમાં નવી પાઇપલાઇન, ઇએસઆર, જીએસઆરની કામગીરી હાથ ધરી પંપિંગ સ્ટેશનનોની મરામત પણ કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષ કાળઝાળ ગરમી વચ્ચે પણ શહેરીજનોને પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. મોરબી કોર્પોરેશનના અધિકારીક સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં શહેરીજનોને દૈનિક 100 એમએલડી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મોરબીની જીવાદોરી સમાન મચ્છુ -2 ડેમમાં વર્ષે કુલ 3100 એમસીએફટીની ક્ષમતા સામે હજુ 1314 એમસીએફટી પાણીનો જીવંત જથ્થો ઉપલબ્ધ હોય ડેમમાં 42 ટકા પાણી સંગ્રહ કરવામાં આવ્યું છે જે આગામી પાંચ માસ સુધી ચાલે તેમ હોવાનું ડેમના અધિકારી ભાવિન પનારાએ જણાવ્યું હતું.મહત્વનું છે કે, મોરબી શહેરમાં અડધા જેટલા વિસ્તારમાં એકાતરા અને જૂના કેટલાક વિસ્તારમાં દૈનિક પાણી વિતરણ કરવામાં આવે છે જેમાં સરદાર બાગ અને પંચાસર રોડ પંપિંગ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં એકાતરા અને દરબારગઢ, દાણાપીઠ સૂરજ બાગ અને કેસરબાગ જેવા વિસ્તારમાં ઝોન મુજબ દૈનિક એકથી સવા કલાક પાણી વિતરણ કરવામાં આવે છે. એ જ રીતે સરદારબાગ અને પંચાસર રોડ વિસ્તારમાં એકાંતરા ત્રણ કલાકથી વધુ પાણી આપવામાં આવતું હોવાનું કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું.મચ્છુ ડેમમાંથી દૈનિક 85 એમએલડી પાણીનો ઉપાડમોરબી શહેરમાં નાગરિકોને પાણી વિતરણ માટે કોર્પોરેશન દ્વારા મચ્છુ -2 ડેમમાંથી 85 એમએલડી અને નર્મદા યોજનામાંથી 15 એમએલડી પાણી ઉપડવામાં આવે છે. આ વર્ષે મચ્છુ -2 ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી સંગ્રહાયેલ હોવાથી શહેરીજનો પર પાણી કાપ નહિ લાદવામાં આવે તેવું પણ અધિકારી પ્રશાંતભાઈ કણજારીયાએ જણાવી હાલમાં શહેરીજનોને દૈનિક એકથી સવા કલાકના સમયગાળા સુધી પાણી આપવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.મચ્છુ - 2 ડેમમાંથી દૈનિક આઠ એમસીએફટી પાણીનો ઉપાડમોરબી શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મચ્છુ - 2 યોજનમાંથી પીવાનું પાણી તેમજ મોરબીના કેટલાક ગામોને સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવે છે.ગતવર્ષે ડેમના દરવાજા બદલવાને કારણે ડેમ સંપૂર્ણપણે ખાલી કરી નાખવાના આવતા પાણીની કારમી તંગી સર્જાઈ હતી.3100 એમસીએફટી જળસંગ્રહ ક્ષમતા ધરાવતા મચ્છુ ડેમમાં હાલમાં 1314 એમસીએફટી પાણી સંગ્રહિત છે અને દૈનિક સાતથી આઠ એમસીએફટી પાણીનો ઉપાડ જોતા આગામી પાંચ માસ સુધી મોરબીને પાણીની ચિંતા ન હોવાનું સિંચાઈ વિભાગના અધિકારી ભાવિન પનારાએ જણાવ્યું હતું.