શનિવારે જિલ્લામાં કોરોનાના જાહેરનામા ભંગના કુલ 31 ગુન્હા નોંધાયા મોરબી : મોરબીમાં કોરોનાની બીજી લહેર સૌથી વધુ ઘાતકી હોવાથી કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકારે રાત્રી કફર્યું અને દિવસે મીની લોકડાઉન જેવા નિયત્રણો લાદયા હોવા છતાં કેટલાક અણસમજુઓ જાણે સમજદારી દાખવવા તૈયાર જ ન હોવાથી પોલીસે આવા લોકો સામે કાર્યવાહી ચાલુ રાખીને સમજદારીનું ભાન કરાવ્યું હતું. જેમાં પોલીસે મોરબી જિલ્લામાં શનિવારે કોરોનાના જાહેરનામા ભંગના કુલ 31 ગુન્હા નોંધી દોષીતો સામે કાર્યવાહી કરી હતી. જ્યારે મોરબીમાં લોકડાઉન દુકાનો ખુલ્લી રાખનાર 4 વેપારીઓ અને કરફ્યુમાં લટાર મારતા 7 ને ઝડપી લઈને નિયમ મુજબ કાર્યવાહી કરી હતી. મોરબીમાં સરકારે લાગુ કરેલા મીની લોકડાઉનને કારણે તમામ વાણિજ્ય વિષયક દુકાનો બંધ રાખવાનો આદેશ હોવા છતાં આ આદેશનો ઉલાળીયો કરી જયવીર એલ્યુમિનિયમ દુકાન, શિવ ફ્રેબીકેશન દુકાન, અકશા ઇલેક્ટ્રિક દુકાન અને ચાની દુકાન ખુલ્લી રાખનાર આ ચારે વેપારીઓ, ઉપરાંત શહેરના જાહેર માર્ગો ઉપર માસ્ક વગર નીકળેલા 9 લોકો, કરફ્યુમાં લટાર મારવા નીકળેલા 7 લોકો અને કફર્યુમાં મુસાફરોની હેરાફેરી કરતા રીક્ષા ચાલક, વાંકાનેરમાં માસ્ક પહેર્યા વગર નીકળી દંડની આનાકાની કરતા રીક્ષા ચાલક, વેપારના સ્થળે માસ્ક ન પહેરી ભીડ એકત્ર કરનાર શાકભાજીનો થડાવાળો, કટલેરીની દુકાનના માલિક, નિયમ કરતા વધુ પેસેન્જર ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 5 રીક્ષા ચાલકો અને માસ્ક વગર નીકળેલા એક વ્યક્તિ, માળીયામાં શાકભાજીની લારીના ધારક તેમજ હળવદમાં નેગેટિવ રિપોર્ટ વગર ધંધો કરતા રીક્ષા ચાલક સામે પોલીસે કાર્યવાહી કરી હતી.