28 એપ્રિલે આરટીઈ પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ બહાર પડશેમોરબી : રાઈટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ મોરબી જિલ્લામાં પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહી ચાલી રહી છે જેમાં આગામી તા.21થી 23 દરમિયાન જે વિદ્યાર્થીઓના ફોર્મ રિજેક્ટ થયા છે તેઓને વધુ એક તક આપવામાં આવી છે અને તા.28 એપ્રિલે પ્રવેશનો પ્રથમ રાઉન્ડ બહાર પડશે. બીજી તરફ મોરબી જિલ્લામાં આરટીઇ યોજના હેઠળ પ્રવેશ માટે તીવ્ર સ્પર્ધાનો માહોલ છે,જિલ્લામાં કુલ 1921 જગ્યાઓ સામે 3576 અરજીઓ મંજુર થઇ છે અને હજુ પણ આ સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.જિલ્લા શિક્ષણ સમિતિના જણાવ્યા મુજબ અરજી કરવા માટે 15 એપ્રિલ છેલ્લી હતી જેમાં અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં કુલ 4692 અરજીઓ થઇ હતી જે પૈકી 3576 અરજીઓ એપ્રુવ કરવામાં આવી હતી અને વર્ષ 2024-25માં થયેલી કુલ અરજીઓ પૈકી 827 અરજીઓ કેન્સલ થઇ હતી અને 289 અરજીઓ રિજેક્ટ થઇ હતી. જો કે, રાજ્ય સરકારે આરટીઈ પ્રવેશ માટે રિજેક્ટ થઈ હોય તેવી અરજીઓના કિસ્સામાં વધુ એક તક આપવા તા.21થી 23 એપ્રિલ દરમિયાન નવા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે.ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં પાંચ તાલુકાઓમાં કુલ 181 શાળાઓમાં 1921 જેટલી જગ્યાઓ માટે આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં આરટીઈ પ્રવેશ માટે કુલ 1921 પૈકી 1500 જગ્યાઓ ગુજરાતી માધ્યમ માટે તેમજ 421 જગ્યાઓ અંગ્રેજી માધ્યમ માટે ઉપલબ્ધ છે ત્યારે વર્ષ 2024-25 માટે મોરબી જિલ્લામાં થયેલી અરજીઓ અને મંજુર અરજીઓ જોતા આ વર્ષે એક બેઠક માટે બબ્બે ઉમેદવારો વચ્ચે તીવ્ર સ્પર્ધા હોવાનું ફલિત થઇ રહ્યું છે.