ત્રણ વોર્ડમાં ૪૦ મતદાન મથકો : શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ મોરબી : મોરબી નગર પાલિકાની ત્રણ વોર્ડની છ બેઠકો માટે પેટાચૂંટણીમાં આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. જાગૃત મતદારો મતદાન શરૂ થતા જ વહેલી સવારમાં પોતાની મતદાનની ફરજ નિભાવી છે. હાલ ધીમીધારે મતદાન શરુ થયું છે. મોરબી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં આજે વોર્ડ નંબર ૧, ૩ અને ૬ ની કુલ છ બેઠકો માટે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, કુલ ૪૦ મતદાન મથકોમાં યોજાયેલ આ ચૂંટણીમાં ૪૬ ઇવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મતદાન પ્રક્રિયા માટે ૪૦૦ જેટલા ચૂંટણી કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવી રહ્યા છે. મોરબી પાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડવાઇઝ મતદારોની સંખ્યા જોઈએ તો વોર્ડ નંબર - ૧ માં બે બેઠકો માટે ૫૧૬૮ પુરુષ મતદાર અને ૪૬૨૨ સ્ત્રી મળી કુલ ૯૭૯૦ મતદારો બે ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. એ જ રીતે વોર્ડ નંબર - ૩ માં ૫૯૫૧ પુરુષ અને ૫૪૧૨ સ્ત્રીઓ સહિત કુલ ૧૧૩૬૩ મતદારો એક ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. જ્યારે વોર્ડ નંબર - ૬ માટે પેટાચૂંટણી લડતા ત્રણ ઉમેદવારોનું ભાવિ ૫૨૦૪ પુરુષ મતદાર અને ૪૭૪૨ સ્ત્રી મતદાર મળી ૯૯૪૬ મતદારો આ બેઠકનું ભાવિ નકકી કરશે. કુલ ત્રણ વોર્ડની પેટાચુટણીમાં કુલ ૪૦ મતદાન મથકો પૈકી ૩૪ મતદાન મથકો સંવેદનશીલ ગણાવવામાં આવતા પોલીસનો ચાપતો બન્દોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને સવારથી ધીમીધારે મતદાન શરુ થયું છે. પોલીસ દ્વારા તમામ મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='32922,32919,32920,32921,32923,32924,32925,32926']