વર્ષ ૨૦૧૭ ની તુલનાએ વર્ષ ૨૦૧૮માં ૫૦૦૦ દસ્તાવેજ વધુ નોંધાયા : મોરબી જિલ્લામાંથી સરકારને એક વર્ષમાં ૯૦ કરોડથી વધુ સ્ટેમ્પ ડ્યુટી અને ૧૨.૪૦ કરોડ નોંધણી ફી ની આવક મોરબી : આજના સમયમાં ચારે તરફ મંદી, મંદીના ગાણા ગવાઈ રહ્યા છે ત્યારે મોરબીમાં ઉલ્ટીગંગા જેવી સ્થિતિ સામે આવી છે, મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૧૭ની તુલનાએ ૨૦૧૮ માં અપૂરતો વરસાદ હોવા છતાં લોકોએ મનભરીને મિલકતો ખરીદ કરી હોવાના આંકડા સામે આવ્યા છે અને ચાલુ વર્ષમાં ગતવર્ષની તુલનાએ ૫૦૦૦થી વધુ દસ્તાવેજ નોંધાયા છે તે જોતા મોરબીને અને મંદીને બાર ગાઉનું છેટું કહી શકાય. મોરબી જિલ્લા સબ-રજિસ્ટ્રાર કચેરીના સતાવાર આંકડા મુજબ વર્ષ ૨૦૧૮ દરમિયાન કુલ ૩૦૫૫૫ દસ્તાવેજની નોંધણી થઈ છે જે પેટે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી પેટે ૯૦ કરોડથી વધુની માતબર આવક થવા પામી છે અને એ જ રીતે દસ્તાવેજ નોંધણી ફી પેટે સરકારની તિજોરીમાં રૂપિયા ૧૨ કરોડ ૪૦ લાખથી વધુની રકમ જમા થઈ છે. હાલમાં સમગ્ર રાજ્યમાં મંદીનો માહોલ છે અને રાજકોટ જેવા રિયલ એસ્ટેટ હબમાં બિલ્ડરો તોબા - તોબા પોકારી ગયા છે ત્યારે સિરામિક હબ મોરબીને મંદીની જરાપણ અસર ન થઈ હોય તેવું સબ રજિસ્ટ્રાર કચેરીના આંકડા ઉપરથી ફલિત થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં મોરબીમાં કુલ ૨૫૨૩૬ દસ્તાવેજની નોંધણી થઈ હતી અને સરકારની તિજોરીમાં ૮૬.૮૯ કરોડ રૂપિયા સ્ટેમ્પડ્યુટીના અને ૧૦ કરોડથી વધુની નોંધણી ફીની આવક થઈ હતી તે જોતા ચાલુ વર્ષે દુષ્કાળની અને મંદીની સ્થિતિ હોવા છતાં મોરબી જિલ્લાએ કરોડો રૂપિયાની આવક સરકારમાં જમા કરાવી છે તે જોતા મોરબીમાં મંદીને નો એન્ટ્રી હોવાની છાપ ઉપસી રહી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en