આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે સર્જાયેલી ગેસ કટોકટીને કારણે ઠપ્પ થયેલો ઉદ્યોગ ફરી પાટા પર, 1 મેથી તમામ ઉદ્યોગો શરૂ થવાના એંધાણમોરબી : આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે અગાઉ ગેસનું મોટું સંકટ સર્જાયું હતું, જેને પગલે ગેસના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકાયો હતો. ગેસના ભાવ આસમાને પહોંચતા મોરબીના મોટાભાગના સિરામિક એકમો ઠપ્પ થઈ ગયા હતા. જોકે, દોઢ મહિનાના લાંબા વેકેશન બાદ હવે મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરીથી ધમધમતો થયો છે. હાલ મોરબીમાં 300 જેટલા સિરામિક કારખાનાઓ ફરી શરૂ થઈ ગયા છે અને ગેસનો વપરાશ 30 લાખ સુધી પહોંચી ગયો છે. આગામી 1 તારીખથી મોટાભાગના કારખાનાઓ સંપૂર્ણ ક્ષમતા સાથે ચાલુ થઈ જવાની શક્યતા છે.સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા અનુસાર લગ્નગાળાના કારણે વતન ગયેલા મજૂરો 18 થી 20 તારીખ સુધીમાં પરત ફરતા મજૂરોની અછતનો પ્રશ્ન હવે સંપૂર્ણ ઉકેલાઈ ગયો છે. લાંબા સમય સુધી કારખાનાઓ બંધ રહ્યા હોવાથી અને હાલ શોર્ટ સપ્લાયના કારણે બજારમાં સારી ડિમાન્ડ નીકળવાની ઉદ્યોગકારોને આશા છે. યુદ્ધની પરિસ્થિતિ બાદ ગેસના ભાવ 40 રૂપિયાથી વધીને 73 રૂપિયા થતાં તેમજ ઇમ્પોર્ટેડ અને ડોમેસ્ટિક રો-મટીરીયલ્સના ભાવમાં સતત વધારો થતાં ઉત્પાદન ખર્ચ ખૂબ વધ્યો છે. પરિણામે સિરામિક ઉદ્યોગકારો દ્વારા મજબૂરીવશ ટાઇલ્સના ભાવમાં 35 થી 40 ટકા સુધીનો વધારો કરવામાં આવશે. મોરબીમાં 20 રૂપિયાથી લઈને 250 રૂપિયા પ્રતિ ફૂટ સુધીની ટાઇલ્સ બને છે, જેમાં 20 થી 70 રૂપિયા સુધીની કોમોડિટી પ્રોડક્ટ્સમાં આ ભાવ વધારો મુખ્યત્વે જોવા મળશે. તેમજ 110 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીના બોક્સમાં પણ અંદાજિત 40 ટકા સુધીનો વધારો આવશે. સિરામિક એકમોમાં હાલ ગેસ વપરાશ 30 લાખ ક્યુબીક મીટર, મે મહિનામાં 75 લાખ પહોંચવાનો અંદાજગુજરાત ગેસના અધિકારી કમલેશ કન્ટેસરિયાએ આપેલી માહિતી મુજબ, 1 એપ્રિલ આસપાસ માત્ર 100 થી 140 સેનેટરીવેર કારખાના ચાલુ હતા ત્યારે દૈનિક 7 થી 8 લાખ ક્યુબિક મીટર ગેસ વપરાતો હતો. પરંતુ હવે 300 જેટલા એકમો શરૂ થતાં દૈનિક વપરાશ 29 થી 30 લાખ ક્યુબિક મીટર સુધી પહોંચી ગયો છે. આગામી 1 મે સુધીમાં અંદાજિત 700 જેટલા મોટાભાગના કારખાનાઓ શરૂ થવાની શક્યતા છે, જેનાથી ગેસની દૈનિક ડિમાન્ડ 65 થી 75 લાખ ક્યુબિક મીટર સુધી પહોંચવાનો અંદાજ છે. એસોસિએશનની માંગ મુજબ ગેસનો ભાવ હાલ 73 રૂપિયા રાખવામાં આવ્યો છે, જે જૂના અને નવા તમામ ગ્રાહકો માટે એકસમાન રહેશે.ઘરેલુ ગેસ કનેક્શનની સંખ્યામાં આવ્યો વધારોગેસ અધિકારીના જણાવ્યા અનુસાર ઔદ્યોગિક વપરાશની સાથે મોરબી, ટંકારા અને વાંકાનેર વિસ્તારમાં ઘરેલુ ગેસ કનેક્શનની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. માર્ચ મહિનામાં 242 અને એપ્રિલમાં 283 મળીને છેલ્લા બે મહિનામાં અંદાજિત 525 જેટલા નવા ડોમેસ્ટિક કનેક્શન આપવામાં આવ્યા છે, જેથી કુલ ડોમેસ્ટિક ગ્રાહકોની સંખ્યા 45,500ને પાર થઈ ગઈ છે. બીજી તરફ, ગેસના બાટલાની તકલીફોના કારણે હવે રેસ્ટોરન્ટ સંચાલકો પણ પાઇપલાઇન ગેસ તરફ વળી રહ્યા છે, જેમાં તાજેતરમાં 25 જેટલા નવા રેસ્ટોરન્ટના કનેક્શન પણ ઉમેરાયા છે.#Morbi #MorbiUpdate #GujaratGas #CeramicIndustry #MorbiCeramic #MorbiNews #GujaratNews #BusinessNews