નદી કાંઠે લિઝ લેનાર શખ્સો અને વાડી માલિક વચ્ચેના મનદુઃખનો કરુણ અંજામ : તાલુકા પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધ્યોવાંકાનેર : વાંકાનેરના મહિકા પાસે નદી કાંઠે લિઝ લેનાર શખ્સોએ વાડી માલિકના ત્રણ યુવાન પુત્રોને માર મારતા તેઓએ ડરમાં દવા પી લીધી હતી. જેમાંથી એક યુવાનનું મૃત્યુ થતા વાંકાનેર તાલુકા પોલીસે પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિનોદભાઇ ધરમશીભાઇ બાંભણીયા ઉ.વ.૫૩ રહે.મહીકા ગામ તા.વાંકાનેરવાળાએ આરોપી (૧) ગોબરભાઇ ભરવાડ રહે.સમઢીયાળા (૨) વિઠ્ઠલભાઇ મોતીભાઇ ચાવડા (૩) વિઠ્ઠલભાઇનો દીકરો ભરતભાઇ રહે બંન્ને.કોઠી (૪) હનિફભાઇ રહે.મહીકા અને (૫) હેમેશભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીની મહીકા ગામની નદીના કાંઠે લીઝ મંજુર થયેલ હોય ત્યાં તેઓની વાડી આવેલ છે. જેનું મનદુખ ચાલતુ હોય ફરીયાદીના દિકરા કલ્પેશભાઇ અને વિશાલભાઇ તેમજ ભાઇના દીકરા યશ વાડીએ હાજર હતા. તે વેળાએ આરોપી લોડર તથા પોતાની અલ્ટો લઇ ખેતર વચ્ચેથી ચાલતા ફરીયાદીના દિકરા કલ્પેશભાઇ તથા વિશાલભાઇ તથા યશભાઇએ લોડર ખેતરમા વચ્ચે ચલાવવાની ના પાડી હતી. જેથી આરોપીએ ઉશકેરાઇ જઇ ત્રણેય સાથે બોલાચાલી ઝઘડો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અન્ય આરોપીઓ હાથમા લાકડાના ધોકાઓ લઇને જતા મારી નાખશે તેવી બીક લાગતા ત્રણેયએ વાડામા પડેલ રીંગણમા છાટવાની ઝેરી દવા પોતાની જાતે પી લીધી હતી. આ બનાવમાં ફરિયાદીના ભાઇના દિકરા યશભાઇનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે પાંચેય શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.