68000નો મુદ્દામાલ જપ્ત : ઝડપાયેલા બાળ કિશોરો અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યુંમોરબી : ગત તા. 20 જુલાઈના રોજ સાંજના સવા ચારેક વાગ્યાના અરસામાં હરીલાલ નાનજીભાઈ વિડજા (ઉ.વ. 79, રહે. વેલકમ પ્રાઇડ, મોરબી) વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકાથી દાણાપીઠ તરફ જતા હતા. તે સમયે રસ્તામાં અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી તેમની પાસે થેલો ઝુંટવવા ઝપાઝપી કરી તેમને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ આરોપીઓ તેમની પાસેથી 3000 રૂપિયા રોકડા, ઓળખ કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ ભરેલો થેલો લૂંટીને ફરાર થઈ ગયા હતા.આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ અને વાંકાનેર ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પોલીસ સક્રિય થઈ હતી. પીઆઈ પર્વતકુમારી આર.સોલંકી અને તેમની ટીમે અલગ-અલગ ટીમો બનાવી, સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ માધ્યમ અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે લૂંટનો ભેદ ઉકેલી 3 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને હસ્તગત કરી લીધા હતા.પોલીસે આરોપીઓ પાસેથી 3000 રૂપિયા રોકડા, 5000 રૂપિયાની કિંમતનો 1 મોબાઈલ, 60000 રૂપિયાની કિંમતનું 1 મોટર સાયકલ તેમજ ઓળખ કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ મળીને કુલ 68000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ભાવનગરના ગારીયાધાર તાલુકાના ભમરીયા ગામ પાસેથી સીડી ડીલક્ષ બાઈકની ચોરી કરી હતી. આ ચોરાઉ બાઈક પર તેઓ શહેરી વિસ્તારમાં ફરીને સિનિયર સિટીઝન કે વેપારીઓની રેકી કરતા અને માણસોની અવરજવર ઓછી હોય તેવી જગ્યાએ ઊભા રખાવી ધાક-ધમકી આપીને લૂંટ ચલાવતા હતા.ઝડપાયેલા આ બાળ કિશોરો અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. જેમાં 1 બાળ કિશોર પર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ખૂન (મર્ડર) નો ગુનો અને 2 બાળ કિશોરો પર રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયેલ છે. આ સફળ કામગીરી પીઆઈ પર્વતકુમારી આર.સોલંકી, પીએસઆઈ વી.કે.મહેશ્વરી, પીએસઆઈ એસ.એ.ભોચીયા, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ રાણીંગભાઈ ખવડ, હિતેન્દ્રસિંહ ઝાલા, દર્શિતભાઈ વ્યાસ, ભરતભાઈ મકવાણા અને જગદીશભાઈ રંગપરા દ્વારા કરવામાં આવી છે.#MorbiUpdate #Wankaner #MorbiPolice #CrimeNews #GujaratPolice #LootCaseSolved #Morbi #WankanerCityPolice #NewsUpdate