76 કિલોમીટરના વિવિધ રોડ રસ્તાનુ ખાતમુહૂર્ત કરાતા લોકોની વર્ષો જૂની માગણી સંતોષાય મોરબી: માળીયા તાલુકામાં ૨૭ કરોડના રસ્તાના કામનું મંત્રી બ્રિજેશ મેરજા ના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવતા લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે. માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મોરબી જિલ્લાના અંદાજે ૨૭ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ૭૬ કિલોમીટરના વિવિધ રોડ-રસ્તા, રી-સર્ફેસીંગ તેમજ કાચા રસ્તા માંથી પાકા રસ્તા બનાવવાના વિવિધ કામોનું ખાતમૂહુર્ત શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું. ખાતમૂહુર્ત પ્રસંગે વિવિધ સ્થાનો પર આયોજિત સમારંભમાં શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ-રસ્તાઓ ૭૬ કિલો મીટરની લંબાઈના ૨૭ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે તેનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. હાલમાં ૧૯ સ્થળો પર ખાતમૂહુર્ત કરવામા આવ્યું છે.માળીયા તાલુકાની પ્રજા ની લાંબાગાળાની માંગણીઓ પૂરી કરી છે. જેથી અહીંના પ્રજાજનોમાં આનંદની લાગણી છે. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે માળીયા તાલુકાના ગામડાઓમાં સિંચાઇનું પાણી આપવા માટે વચન આપ્યું હતું જે વચનો પૂર્ણ કર્યા હતા સાથે જ માળિયાની પ્રજાના પ્રશ્નો અંગે સતત સરકાર સમક્ષ રજૂ કરી નવા નવા કામો મંજૂર કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મંત્રી દ્વારા માળીયા-પીપળીયા-હજનાળી સ્ટેટ હાઇવે, કુંતાસીથી હજનાળી તથા કુંતાસીથી મોટી દહીંસરા, સ્ટેટ હાઇવેથી બોડકી, મોટી દહીસરા થી નાનાભેલા, મોટી દહીંસરાથી કૃષ્ણનગર રસ્તા પર સ્લેબ ડ્રેઇનનું કામ, વવાણીયાથી ચમનપર-નાનાભેલા, વવાણીયાથી વર્ષામેડી, મોટા ભેલાથી જશાપર, સરદારનગર (સરવડ) થી પીપળીયા-મહેન્દ્રગઢ-સરવડ, મોટી બરારથી નાની બરાર, નાની બરાર થી જાજાસર, હળવદ સ્ટેટ હાઇવે થી પંચવટી ખીરઇ, સ્ટેટ હાઇવે થી વિરવદરકા, ખાખરેચી થી વેણાસર, જૂના ઘાંટીલા થી ટીકર તથા મંદરકી એપ્રોચ રોડનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, અગ્રણીઓ જિગ્નેશભાઇ કૈલા, હીરાભાઈ ટમારિયા, બાબુભાઈ હુંબલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ કાર્યપાલક ઇજનેર ચૌધરી, કિશોરભાઈ ચીખલિયા, સુભાષભાઈ પડસુબીયા, ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.