કેશિયર 29 લાખ રોકડા લઈને જતા હતા ત્યારે કારમા આવેલા ત્રણ શખ્સોએ લૂંટ ચલાવી મોરબી : મોરબી તાલુકાના જૂની પીપળી અને નવી પીપળી રોડ ઉપર ફેક્ટરીએ નોકરી પુરી કરી ઘેર પરત જઈ રહેલા કેશિયરના બાઈક સાથે ફોર વ્હિલ અથડાવી અજાણ્યા ત્રણ શખ્સોએ રૂ.29લાખની લૂંટ ચલાવતા સનસનાટી મચી ગઇ છે. હાલ આ મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. આ ચકચારી લૂંટના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કેલેફેકસન ટેકનો પ્રા.લી. ફેકટરીમા કેશિયર તરીકે કામ કરતા નવી પીપળી ગામના રહેવાસીચંદ્રેશભાઇ સવજીભાઇ શીરવીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત સાંજે પોણા આઠેક વાગ્યાના સુમારે તેઓ ફેક્ટરીએથી કામ પતાવી ઘેર જતા હતા ત્યારે નવી પીપળી અને જૂની પીપળી વચ્ચે આશ્રમ નજીક એક અજાણી કારે તેમને ઠોકર મારી નીચે પછાડી દીધા હતા અને કારમાંથી ઉતરેલા અજાણ્યા ત્રણ શખ્સો તેમની પાસે રહેલ રોકડ રકમ ભરેલો થેલો લઈ નાસી ગયા હતા. વધુમાં અજાણ્યા ફોર વ્હીલમાં આવેલ ત્રણ અજાણ્યા માણસો લૂંટને અંજામ આપી નાસી જતા ઘટનાની જાણ થતાં તુરત જ મોરબી તાલુકા, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ચારે તરફ જિલ્લામાં નાકા બંધી કરી ચંદ્રેશભાઈની ફરિયાદને આધારે રૂ.29 લાખની લૂંટ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.