મોરબી જિલ્લા કલેકટરને ૧૨ ગામના ખેડૂતોની ધગધગતી રજુઆત : ૨ દિવસમાં પાણી મળવાની ખાતરી નહિ મળે ત્યાં સુધી ધરણા શરૂ રહેશે મોરબી : ચરાડવા ગામ નજીક નર્મદા કેનાલમાં આડસ મૂકી પાણીને રોકી રાખવામાં આવતા ત્રણ ધારાસભ્યોની આગેવાનીમાં હળવદ, માળીયા અને મોરબી તાલુકાના ૧૨ ગામોના ખેડૂતોએ જિલ્લા કલેકટર કચેરીએ ધરણા પર બેસી ગયા છે. સાથે તેઓએ જિલ્લા કલેક્ટરને ધગધગતી રજુઆત કરી ૨ દિવસમાં પાણી મળવાની ખાતરી નહિ અપાઈ ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાનું જણાવ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ નર્મદાની કેનાલમાં ચરાડવા ગામ નજીક આડસ મૂકી દેવામા આવી છે. ત્યારે ખેડૂતોને પાણી ન મળવાથી પાક નિષફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી રોજ મોરબી, માળીયા અને હળવદના ધારાસભ્યોની આગેવાનીમાં સમલી, ચરાડવા, કડીયાણા, દેવપુર, વાંકડા, જિકીયારી, અંજીયાસર, નીચી માંડલ, ગોકુળિયા સહિતના ૧૨ ગામોના ખેડુતો આજે જિલ્લા કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા. જ્યાં કલેક્ટરને ધગધગતી રજુઆત કરી હતી. ઉપરાંત મોરબી, ટંકારા અને હળવદના ત્રણેય ધારાસભ્યોની આગેવાનીમાં ૧૨ ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા શરૂ કરી દીધા છે. જ્યાં સુધી જિલ્લા કલેક્ટર ૨ દિવસમાં પાણી મળી જશે તેવી ખાતરી નહિ આપે ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે તેમ જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે માળીયા અને મોરબી પાસેની કેનાલમાં પોલીસ બંદોબસ્ત મુકવાની રજુઆત કલેક્ટરે સ્વીકારી લીધી છે. ઉપરાંત ચરાડવા પાસે પાણીની ચોરી કરતા ૫૦ થી વધુ સીરામીક કંપનીના ગેરકાયદે કનેકશન સાંજ સુધીમાં કાપવાનો જિલ્લા કલેક્ટરે આદેશ આપી દીધો છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='27950,27951,27948,27944']