હકાભા ગઢવીના ડાયરામાં પી.આઈ. પીએસઆઇ સહિતના અધિકારીઓએ પણ કડકડતી નોટો ઉડાવી મોરબી : મોરબી શહેરની ભાગોળે યોજાયેલ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના વિદાય સમારોહમાં જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા,પીઆઇ, અને પીએસઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ ડાયરાની મોજમાં આવી કડકડતી નોટોનો વરસાદ વરસાવતા આ વીડિયો ખાનગી ટીવી ચેનલમાં વાયરલ થતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની બદલી થતા તેમને વિદાયમાન આપવા માટે મોરબીની ભાગોળે એક ખાનગી ફંક્શન યોજાયું હતું જેમાં હકાભા ગઢવીનો ડાયરો પણ યોજાયો હતો. આ પ્રસંગે ખુશીના માહોલમાં હકાભા ગઢવીએ દુહા છંદ સાથે હર કોઈને તાન ચડે તેવા ચારણી સાહિત્ય લલકારવાનું શરૂ કરતાં જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ, પીઆઇ, અને પીએસઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉત્સાહમાં આવી જતા કડકડતી નોટોનો વરસાદ વરસાવ્યો હતો. જો કે જે સ્થળે નોટોનો વરસાદ થયો એ ખાનગી સ્થળ હતું, ઉપરાંત કાર્યક્રમ પણ ખાનગી હતો આમ છતાં આ કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ કડકડતી નોટો ઉડાડતા હોય તેવો વિડીયો ખાનગી ટીવી ન્યૂઝ ચેનલમાં વાયરલ થતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. જો કે આ અધિકારીઓ પણ આખરે તો માણસ જ છે અને સારા ગુજરાતી લોકસાહિત્યની કદર રૂપે નોટો ઉછાળવામાં આવી એ કોઈ ગુન્હો નથી આમ છતાં વિડીયો વાયરલ થતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.