આડેધડ પાર્કિંગ કરનારા 80 ફોર વ્હીલર અને 195 ટુ વ્હીલર ચાલકો સામે ટ્રાફિક પોલીસની લાલ આંખમોરબી: મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા અને વાહન ચાલકોમાં શિસ્ત લાવવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરમાં લાંબા સમયથી બંધ પડેલી ટોઈંગ કામગીરી ફરી શરૂ કરીને છેલ્લા 15 દિવસમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનો સામે મોટા પાયે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં પણ હેલ્મેટ વગર આવતા કર્મચારીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે.15 દિવસમાં 275 વાહનો ટોઈંગ કરાયામોરબી શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન જટિલ બનતા ટ્રાફિક પોલીસ દ્વારા એકી-બેકી પાર્કિંગની વ્યવસ્થા નિયત કરવામાં આવી છે. આ નિયમોનો ભંગ કરીને આડેધડ પાર્કિંગ કરનારા વાહનોને હટાવવા માટે 3 મે થી ટોઈંગ વાહન ફરી શરૂ કરવામાં આવ્યું છે.છેલ્લા 15 દિવસની અંદર પોલીસે કુલ 275 વાહનો ટોઈંગ કરીને 1.37 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. જેમાં:• ફોર વ્હીલર: 80 વાહનોને ટોઈંગ કરી 40,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.• ટુ વ્હીલર: 195 વાહનોને ટોઈંગ કરી 97,500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો.હેલ્મેટ ઝુંબેશમાં 45 સરકારી કર્મચારીઓ દંડાયાબીજી તરફ, મોરબી શહેરમાં સામાન્ય નાગરિકોની સાથે સરકારી બાબુઓ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. મોરબી કલેક્ટર કચેરી સહિતની અન્ય સરકારી કચેરીઓમાં 1 થી 17 તારીખ સુધી હેલ્મેટ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ ચેકિંગ દરમિયાન કચેરીમાં હેલ્મેટ વગર ટુ વ્હીલર લઈને આવતા 45 અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસે દંડ ફટકાર્યો હતો. આ સરકારી કર્મચારીઓ પાસેથી પોલીસે કુલ 20,500 રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. આગામી દિવસોમાં પણ સરકારી કચેરીઓમાં આ હેલ્મેટ ચેકિંગ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે તેમ પોલીસ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.#Morbi #MorbiTrafficPolice #TrafficRuleViolation #TowingDrive #HelmetDrive #MorbiNews #TrafficFine