રબારી પરિવારો સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગેસ સમિતિના માલધારી સેલનું કલેકટરને આવેદન ટંકારા : ટંકારાના લજાઈ ગામે માલધારી રબારી પરિવારને ખરાબામાંથી હાંકી કાઢી પરેશાન કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસના માલધારી સેલ દ્વારા ક્લેકટરને આવેદન પાઠવીને ત્વરિત કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. ઉપરાંત જો ન્યાય નહી મળે તો આગામી તા. ૩૦મીએ સામુહિક આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના માલધારી સેલે કલેકટરને આવેદનમાં જણાવ્યુ હતું કે લજાઇ ગામે રબારી સમાજના ૫૦ જેટલા પરિવારો વસે છે. જેઓ છેલ્લા ૪૦ વર્ષથી સરકારી ખરાબામાં પશુધન સાથે ભોગવટો ધરાવે છે. પરંતુ છેલ્લા ૬ માસથી લજાઈ ગામના અમુક લોકોએ આ વાડાઓ ટ્રેકટર-જેસીબીથી હટાવી નાખેલ છે. જે અંગે રબારી સમાજે સ્થાનિક ન્યાયાલયમાં દાવો દાખલ કરીને દાદ માંગેલ છે. ઉપરાંત આ મામલે કોર્ટ કેસ પણ ચાલુ છે. વધુમાં જણાવ્યું કે ગત તા. ૨૦ના રોજ આ જમીન પર દીવાલ બનાવી નાખેલ છે. આ મામલે અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. હાલના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જ્ઞાતિ વલણ અપનાવીને દીવાલ બનાવાની છૂટ આપી તંત્ર કાઈ કરશે નહી તેવી ખાતરી પણ આપી હોવાનો રબારી સમાજના આગેવાનોએ આવેદનમાં આક્ષેપ કર્યો છે. અંતમાં જણાવ્યું કે વાડાઓમાંથી રબારી પરિવારોને ખદેડી મુકવામાં આવતા રબારી પરિવારોના પશુઓ રેઢા રખડે છે. અને તેઓ માટે ચારાની વ્યવસ્થા પણ કરવામાં આવે તેવી માંગ છે. ઉપરાંત જો આ સમગ્ર મામલે રબારી પરિવારો ન્યાયની માંગ સાથે આગામી તા. ૩૦ના રોજ આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.