સોનીબજાર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે 250 થી વધુ આરાધકો એકસાથે આરાધના કરશેમોરબી : મોરબીના સોનીબજારમાં બિરાજિત ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજીની નિશ્રામાં જૈન શાસન સ્થાપના દિન નિમિત્તે આગામી 26 એપ્રિલના રોજ 'શાસન સ્પર્શ' નામનો હૃદયસ્પર્શી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ અંગે ડૉ. ચિંતનચંદ્રજીએ જણાવ્યું હતું કે, નાવમાં જે સ્થાન નાવિકનું છે, કારમાં જે સ્થાન ડ્રાઈવરનું છે, અને પ્લેનમાં જે સ્થાન પાયલોટનું છે, તેના કરતાં પણ અધિક મહત્વ આપણા જીવનમાં જૈન શાસનનું છે.લગભગ 2581 વર્ષ પહેલાં 24 માં તીર્થંકર મહાવીર સ્વામીએ આ જગતને શાંતિ અને સમાધિનો રાજમાર્ગ બતાવતા અહિંસા, સંયમ અને અપરિગ્રહના સિદ્ધાંતો આપીને જૈન ધર્મ તીર્થની પ્રવર્તના કરવા શાસન સ્થાપના કરી હતી. 21 મી સદીની વિકરાળ સમસ્યાઓનું સમાધાન આપી શકે તેવું આ એક સત્ય સંવિધાન છે.કરુણા, અનુકંપા, જીવદયા, તપ અને ત્યાગ જેવા અદ્ભુત મૂલ્યો ધરાવતાં સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘનું અનુશાસન અને અનુપાલન સર્વ ધર્મ માટે સન્માનીય છે. આ અહિંસા પરમોધર્મ અને પાપ નિવૃત્તિ રૂપે આગામી 27 એપ્રિલ (વૈશાખ સુદ 11) ના એક જ દિવસે એકસાથે 250થી વધુ આરાધકો પચ્ચખાણ કરીને ઉપવાસ, આયંબિલ અને એકાસણાં આદિની આરાધના કરશે, જેમાં મોરબીના સમસ્ત જૈન ભાવિકો જોડાશે.સોનીબજાર સંઘ મોરબીના પ્રમુખ નવીનભાઈ દોશી, ઉપપ્રમુખ ઉર્મિલાબેન મહેતા, મંત્રી કેતન મહેતા, અશોક મહેતા અને યોગેશ મહેતા આદિ જૈન ધર્મ ધ્વજનું વંદન કરી આ કાર્યક્રમની શરૂઆત કરશે. આ કાર્યક્રમમાં લગભગ 30 જેટલા નાના-મોટા યુવાન-યુવતીઓ સંવાદ અને ભક્તિ થકી જૈન શાસનના ઐતિહાસિક પત્રોનો અભિનય કરશે.આ પ્રસંગે પ્રફુલાબેન રમેશચંદ્ર દફ્તરી તથા ગીતાબેન ગુણવંતરાય સંઘવી તરફથી ગૌતમ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમૂહ સામાયિક સાથે લક્કી ડ્રો પણ રાખવામાં આવેલ છે.#Morbi #MorbiUpdate #JainSamaj #JainShasan #ShasanSparsh #CulturalProgram #JainDharma #MorbiNews