આઠ પશુઓના વાડા આગની ઝપટે : આગ અડધો કિલોમીટર સુધી પ્રસરી હળવદ : આજે હળવદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મીની વાવાઝોડા જેવો પવન ફૂંકાયા બાદ કોયબા ગામે પશુઓના વાડા પરથી પસાર થતી વીજ લાઈનનો તિખારો પડતા આગ ભભૂકી ઊઠતા પશુઓના આઠ વાડા આગની ચપેટમાં આવી જતા આગની આ ઘટનામાં 2500 મણ પશુઓ માટેની કડબ બળીને ખાખ થઈ ગઈ હતી. હળવદ પંથકમાં આજે સવારના દસેક વાગ્યે જોરદાર પવન સાથે ડમરી ઉડી હતી. જેના કારણે કોયબા ગામે ઢવાણા રોડ પર રમેશભાઈ વિહાભાઈ, જોધાભાઈ વિહાભાઇ, નવઘણભાઈ બલવાભાઈ અને જગદીશભાઈ કુકાભાઈ ભરવાડના પશુઓના વાડા પરથી પસાર થતી વીજ લાઈનમાથી તિખારો પડતા વાડામાં રહેલી કડબમાં આગ ભભૂકી ઉઠી હતી.જોકે પવન અને ડમરી વધુ ઉડવાને કારણે આગને ઓલવી પણ મુશ્કેલ હોય જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની આ ઘટનામાં ગામ લોકોએ અને પશુપાલકો દ્વારા આગને ઓલવવા બનતા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને જેસીબી વડે આગને ઓલવવા માટી પણ નાખવામાં આવી હતી અને હળવદથી ફાયરબ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી હતી જોકે છ કલાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો. બીજી તરફ ગામ લોકોના જણાવ્યા પ્રમાણે આગ લાગી અને ઉપરથી પવન હોય જેના કારણે આગ અડધો કિલોમીટર સુધી પ્રસરી ગઈ હતી. પશુઓના વાડામાં લાગેલી આગને કારણે બાજુના ત્રણ દેવીપુજકના વાડામાં પણ આગ લાગી હતી જો કે ત્યાં કંઈ હોય નહીં જેથી કોઈ નુકસાન ન થયું હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કોયબા ગામના સરપંચ દેવેન્દ્રસિંહ દ્વારા આગ લાગવાના કારણે માલધારી પરિવારને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેનો સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગ પણ ઉઠાવવામાં આવી હતી.