ટંકારા: ભારતની વસ્તી ગણતરી–2027 ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી પ્રિટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે. તે અંતર્ગત મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તાલુકાના કુલ 25 ગામોની પસંદગી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન ન થયેલ વસ્તી ગણતરી 15 વર્ષના લાંબા ગાળા બાદ શરૂ થવાની છે આ કામગીરીમાં સર્વે પદ્ધતિ, ડિજિટલ ડેટા કલેકશન, મોબાઈલ એપ આધારિત એન્ટ્રી, અને કુટુંબની લેવાની જરૂરી માહિતી અંગે પ્રાથમિક જાણકારી શિક્ષકોને આપવામાં આવી. આજે ટંકારા ખાતે એમ.પી. દોશી વિદ્યાલયના કોન્ફરન્સ હોલમાં સંબંધિત શિક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં એજન્સીની ખાસ ટીમે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તાલીમનો મુખ્ય ઉદ્દેશ ગામોમાં વસ્તી પ્રોફાઇલ, પરિવારોની સંખ્યા, વર્ગીકરણ, શિક્ષણ, રોજગાર, આવાસ સુવિધા, ખાણી પાણી અને સ્વચ્છતા જેવી માહિતીઓને ડિજિટલ પદ્ધતિથી ચોક્કસ રીતે એકત્ર કરવાની પદ્ધતિ સમજાવવાનું હતું. તાલીમ દરમિયાન સર્વે સમયે લોકો સાથે સદભાવપૂર્ણ વ્યવહાર, ડેટાની ગુપ્તતા અને સચોટતા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.ટંકારા તાલુકાના કુલ 25 ગામો માટે પસંદ કરાયેલા શિક્ષકો આગામી દિવસોમાં પ્રાયોગિક સર્વે હાથ ધરશે. આ પ્રિટેસ્ટના આધારે આગામી મુખ્ય વસ્તી ગણતરી પ્રક્રિયા વધુ અસરકારક બનશે. તાલીમમાં તાલુકાના અધિકારીઓ, શાળાપ્રમુખો અને ગણતરી સંબંધિત સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા.