મોરબી : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) નું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં મોરબી તાલુકાની લખધીરનગર પ્રાથમિક શાળાએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. શાળાના કુલ 30 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી 25 વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં સ્થાન પામતા શિક્ષણ વિભાગ દ્વારા શાળા પરિવાર પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.સરકારી સુવિધાઓનો માર્ગ મોકળોઆ પરીક્ષામાં ઉતીર્ણ થયેલા તેજસ્વી તારલાઓને હવે ધોરણ 6 થી 12 સુધી જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ માં નિઃશુલ્ક પ્રવેશ મળશે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને: • રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા. • શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. • સ્કોલરશીપ અને શૈક્ષણિક પ્રવાસ જેવી અન્ય સુવિધાઓ પણ મળવાપાત્ર થશે.શાળાની સિદ્ધિથી પંથકમાં આનંદમોરબી જિલ્લામાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર શાળાઓમાં સ્થાન પામીને લખધીરનગર પ્રાથમિક શાળાએ સાબિત કરી દીધું છે કે યોગ્ય માર્ગદર્શન અને મહેનત હોય તો સરકારી શાળાના બાળકો પણ ઉચ્ચ શિખરો સર કરી શકે છે. 25-25 વિદ્યાર્થીઓ એકસાથે મેરિટમાં આવતા વાલીઓ અને ગ્રામજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાળાના આ શાનદાર દેખાવ બદલ શિક્ષકો અને વિદ્યાર્થીઓને વ્યાપક શુભેચ્છાઓ મળી રહી છે.