સુરેશભાઈને કારોબારી, દેવાભાઈને બાંધકામ, પ્રભુભાઈને પરચેઝ અને કેતન વિલપરાને પસંદગી સમિતિનું ચેરમેન પદ મોરબી : મોરબી પાલિકાની આજે ત્રીજી સામાન્ય સભા મળી હતી જેમાં રજૂ થયેલ તમામ એજન્ડાને મંજૂરીની મહોર મારી બહુમત શાસક પક્ષે સભ્યોને સાચવવા વિવિધ 25 કમિટીની રચના કરી ચેરમેન પદની લ્હાણી કરી હતી. આજરોજ મોરબી નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, 52 સભ્યોની બહુમત સાથે ચૂંટાયેલી પાંખ દ્વારા સામાન્ય સભામાં રજૂ થયેલ તમામ 63 દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી. ઉપરાંત વિવિધ 25 કમિટીઓની રચના સાથે રેલવે, પાંજરાપોળ સહિતની સંસ્થામાં પણ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી. પાલિકામાં ચૂંટાયેલા તમામ 52 સભ્યોને રાજી રાખવા આજરોજ કમિટી રચનાની દરખાસ્તમાં કારોબારી સમિતિમાં સુરેશભાઈ દેસાઈ, હાઉસટેક્સમાં શિતલબેન ચતુરભાઈ દેત્રોજા, બાંધકામ સમિતિમાં દેવાભાઈ અવાડિયા, અધર ટેક્સમાં ગિરિરાજસિંહ સુખદેવસિંહ જાડેજા, પરચેઇઝ કમિટીમાં પ્રભુભાઈ ભૂત, રોશની કમિટીમાં માવજીભાઈ કંઝારીયા, ગેરેજ સમિતિમાં ભાવિક જારીયા, ગાર્ડન સમિતિમાં ગીતાબેન સારેશા, ટાઉન પ્લાનીંગમાં પ્રકાશભાઈ ચબાડ, ભૂગર્ભમાં હનીફભાઈ મોવર, પાણી પુરવઠામાં બ્રિજેશભાઈ કુંભારવાડિયા, સેનિટેશન સીતાબા જાડેજા, કંટ્રોલિંગ કમિટીમાં નરેન્દ્રભાઈ પરમાર, રૂલ્સ એન્ડ બાયલોઝમાં ભાનુબેન નગવાડિયા, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જસવંતીબેન શિરોહિયા, હેલ્થ કમિટીમાં આસિફભાઈ ઘાંચી, એડવાઇઝરી કમિટીમાં ચુનિભાઈ, રમત ગમતમાં દિનેશભાઇ કૈલા, સમાજ કલ્યાણમાં જયંતીભાઈ ઘાટલીયા, મોક્ષધામમાં હર્ષદભાઈ કંઝારીયા, અમૃતયોજના કમિટીમાં મનસુખભાઇ બરાસરા, મહિલા પ્રવૃત્તિ સમિતિમાં જસવંતીબેન સોનેગ્રા, એનયુએમએલ કમિટીમાં કલ્પેશ રવેશિયા, વાંચનલયમાં મમતાબેન ઠાકર, પસંદગી સમિતિમાં કેતન વિલપરાને ચેરમેન બનાવાયા છે, આ ઉપરાંત પાંજરાપોળ કમિટીમાં કેતન રાણપરા, રેલવેમાં રાજેશ રામાવત, એપીએમસીમાં જયંતિભાઈ વિડજા, સિવિલમાં નિમિષાબેન ભીમાણી અને એનિમલ બર્ડ કમિટીમાં ચીફ ઓફિસરને ચેરમેન બનાવાયા છે. મોરબી નગરપાલિકામાં આજે મળેલી સામાન્ય સભામાં એજન્ડા ઉપર કુલ 63 આઈટમ લેવામાં આવી છે, સામાન્ય સભામાં શહેરના તમામ 13 વોર્ડમાં સાર્વજનિક પ્લોટમાં પેવર બ્લોક નાખવા, વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા ગોઠવવી, માધાપર વાડી અને વેજીટેબલ રોડ સોનાપુરીમાં ગેસ આધારિત ભઠ્ઠી ફિટ કરવી, લાતીપ્લોટ વિસ્તારના વર્ષો જુના પ્રશ્નનો ઉકેલ લાવી વરસાદી પાણીનો નિકાલ કરવો, સ્ટ્રીટ લાઈટ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી, નગરપાલિકામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી ઉપરાંત વજેપરમા બનાવવામાં આવેલી આવાસ યોજનામાં વધારાના આવાસ બનાવવાનો સમાવેશ થાય છે. દરમિયાન આજની સામાન્ય સભામાં ડોર ટુ ડોર કલેક્શનનું કામ કરતી શાંતિ કોર્પોરેશન અને જે.ડી.પટેલ તેમજ એરીસ ઇન્ફ્રાટેક પેઢીને બ્લેકલિસ્ટ કરવી, પંડિત દીનદયાળ વેજીટેબલ માર્કેટ અને શોપિંગનું નવિવનીકરણ, જૂની શાકમાર્કેટનું નવીનીકરણ, વાંચનાલય માટે ખર્ચ, સફાઈ કર્મચારીઓનું નવું મહેકમ મંજુર કરવું, વિવિધ સમિતિની રચના કરવી, ભૂગર્ભ ગટર યોજનાના નિયમો બનાવવા સહિતની દરખાસ્ત પણ મંજુર કરી મોરબીના તમામ માર્ગો ઉપર આવેલા હયાત ડિવાઇડરને ઉંચા બનાવી વચ્ચે વૃક્ષ વાવવાની સાથે ચાલુ વર્ષે પ્રિ મોન્સૂન કામગીરી માટે કરવામાં આવેલ રૂપિયા 60 લાખનો ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. તેમજ તમામ 13 વોર્ડના ચૂંટાયેલા નગર સેવકો દ્વારા પોતપોતાના વિસ્તાર માટે પ્રજાલક્ષી કામો જેવા કે સીસી રોડ, પેવર બ્લોક સહિતના કામ અંગે પણ મોટાપ્રમાણમાં દરખાસ્ત કરવામાં આવતા તમામ દરખાસ્તને લીલી ઝંડી આપવામાં આવી હતી.