માળીયા : તા.16 માર્ચના રોજ રાત્રે 3 વાગ્યે મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના કાર્યકરોઓ બાતમીના આધારે કચ્છથી ગેરકાયદે અમદાવાદ પશુ ભરીને જઈ રહેલી આઈસર ગાડીને અણિયારી ટોલનાકા નજીકથી પકડી પાડી 23 અબોલ પશુઓના જીવ બચાવ્યા હતા.હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના કાર્યકરોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કચ્છથી એક આઈસરમાં (નંબર.GJ-01-HT-5615) 23 જેટલા પશુઓને ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે માળીયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમી મુજબની આઈસર ગાડી આવતા તેનો પીછો કરીને હળવદ તરફ અણીયારી ટોલનાકા પાસે રોકીને તપાસ કરતાં ગાડીની અંદર ક્રુરતાપૂર્વક 23 પશુઓ ભરેલા જોવા મળ્યા હતા. આ કાર્યવાહીમાં વાહન સાથે બે આરોપીને ઝડપી લઈ વધુ કાર્યવાહી આગળ વધારાઈ છે. આ કાર્યવાહીમાં માળીયા પોલીસ સ્ટેશનનો ગૌરક્ષકોને સહયોગ મળ્યો હતો.