નવી જિલ્લા પંચાયત કચેરીમાં સ્થળાંતરની તૈયારી : હાઉસકિપિંગ અને સિક્યુરિટી ગાર્ડના કોન્ટ્રાકટ આપવા એજન્ડામાં દરખાસ્ત મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં કેસરિયા રાજ આવ્યા બાદ ત્રીજી સામાન્ય સભા આગામી તા.21 મેના રોજ મળનાર છે જેમાં જુદી-જુદી સમિતિઓની રચના કરવી, સ્વ-ભંડોળની ગ્રાન્ટમાંથી વિકાસકામો કરવા સહિતની 29 દરખાસ્ત એજન્ડા ઉપર લેવામાં આવી છે અને ખાસ કરીને જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગમાં સ્થળાંતરણ માટેની તૈયારી પણ એજન્ડામાં જોવા મળી છે નવી કચેરી માટે હાઉસ કીપિંગ તેમજ સિક્યોરિટી ગાર્ડ કોન્ટ્રાકટની દરખાસ્ત સામાન્યસભાના એજન્ડામાં સમાવવામાં આવી છે. મોરબી જિલ્લા પંચાયતમાં સતા પરિવર્તન સાથે જ ભાજપ સતાસ્થાને આવતા હવે જિલ્લામાં વિકાસકામોની ગાડી પુરપાટ ઝડપે દોડતી થાય તેમ હોવાના સંકેતો વચ્ચે આગામી તા.21 મે ના રોજ સામાન્યસભા યોજવા એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે. સમાન્યસભાના આ એજન્ડામાં જુદી-જુદી કુલ 29 દરખાસ્ત રજૂ કરવામાં આવનાર છે જેમાં સૌથી અગત્યની દરખાસ્તમાં જુદી-જુદી સમિતિની રચના અને ચેરમેનની નિમણૂકનો મુખ્ય મુદ્દો તમામ સભ્યો માટે મહત્વનો છે અને અત્યારથી જ મહત્વની સમિતિમાં ગોઠવવા માટે સોગઠાં ગોઠવવામાં આવી રહ્યા છે. દરમિયાન મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના શાસન દરમિયાન રોયલ્ટી ગ્રાન્ટ સહિતના પ્રશ્નોનો પણ ભાજપ શાસન આવતા ઉકેલ આવી જતા સ્ટેમ્પ ડ્યુટી અને રોયલ્ટી ગ્રાન્ટ જેવા સ્વભંડોળની ગ્રાન્ટમાંથી જિલ્લામાં વિકાસકામોને વેગવંતા બનાવવા સામાન્ય સભામાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ફર્નિચરના કામને લઈ નવી જિલ્લા પંચાયત કચેરીમાં સ્થળાંતર અટક્યું છે ત્યારે સામાન્ય સભામાં નવી કચેરીમાં ફર્નિચર કામ શરૂ કરવું, હાઉસ કીપિંગ કોન્ટ્રાકટ આપવો તેમજ નવી કચેરીની સુરક્ષા માટે ખાનગી સિક્યુરિટીને કોન્ટ્રાકટ આપવા સહિતની બાબતો પણ એજન્ડા ઉપર લેવામાં આવી છે.આ ઉપરાંત પ્રતાપગઢ, વલાસણ, પીપળીયા રાજ, પલાંસડી સહિતની ગ્રામ પંચાયત બિલ્ડીંગ બનાવવા, જુના ઘાટીલા, મહેન્દ્રનગર, માળિયાના રોડ રસ્તા સહિતના કામો પણ એજન્ડામાં સમાવવામાં આવ્યા છે.