29 જાન્યુઆરીએ જિલ્લાના 62 કેન્દ્રોના 704 બ્લોકમાં પરીક્ષા લેવાશે મોરબી : ગુજરાત સેવા પંચાયત પસંદગીની જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી 29 જાન્યુઆરીએ લેવામાં આવશે.આ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન અને સંચાલન મોરબી જિલ્લા પંચાયત હસ્તક હોય જિલ્લા પંચાયત દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને પરીક્ષા કેન્દ્રો, ઉમેદવારો, બ્લોક સહિતની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોરબીના ડે. ડીડીઓ ઇલાબેન ગોહિલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં 21120 ઉમેદવારો જૂનીયર ક્લાર્કની પરીક્ષા આપનાર છે. 29 જાન્યુઆરીએ મોરબી જિલ્લાના 62 કેન્દ્રોના 704 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે. જેમાં મોરબીમાં 27, વાંકાનેરમાં 11, હળવદ અને ટંકારામાં 12-12 જુનિયર ક્લાર્કની પરીક્ષાના કેન્દ્રો છે અને તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે અને 21 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ પરીક્ષામાં દેખરેખ સહિત સંપૂર્ણપણે સંચાલન માટે કલાસ વન-ટુ અધિકારીઓ સહિત 2 હજાર સરકારી કર્મચારીઓનો સ્ટાફ ફાળવી દેવાયો છે. ગુજરાત સેવા પંચાયત પસંદગી મંડળ દ્વારા મોરબી જિલ્લામાં આ પ્રથમ વખત જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે સ્થાનિક તંત્રએ તમામ તૌયારીઓ પૂર્ણ કરી લીધી છે.