હળવદ : હળવદ ખાતે પાટિયા ગ્રુપ દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ, શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી સ્વૈચ્છીક રકતદાન કેમ્પમાં બ્લડની 202 બોટલો એકત્ર કરવામાં આવી છે. આજ રોજ હળવદ મધ્યે આવેલ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટિયા ગ્રુપ દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહકારથી ભવ્ય સ્વૈચ્છિક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોના પ્રતિરોધક વેકશીનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે. વેકસીન લીધા પછી 15 દિવસ સુધી બ્લડ ડોનેટ ન કરી શકાય. આથી, બ્લડ બેંકમાં બ્લડની અછત ન સર્જાઈ તેવા આશયથી આ સ્વૈચ્છીક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ સહિત આસપાસના વિસ્તારના ઉદાર હૃદયના રક્તદાતાઓએ સ્વૈચ્છીક રકતદાન થકી માનવતાની મહેક પ્રસરાવી હતી. આ રકતદાન કેમ્પમાં 25 મહિલાઓએ રકતદાન કર્યું તથા 11 લોકોએ પ્રથમ વખત રકતદાન કર્યું હતું અને અલ્પેશ મારૂડાંએ સતત પાંચમી વખત સજોડે રકતદાન કર્યું હતું અને 15 લોકો જે હળવદ તાલુકા બહારથી રકતદાન કરવા માટે આવ્યા હતા. એમ કુલ મળી ટોટલ બ્લડની 202 બોટલો એકત્ર કરવામાં આવી હતી. જેમાંથી બ્લડની 120 બોટલો સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક અને 82 બોટલ ફિલ્ડમાર્શલ બ્લડ બેંક ખાતે લોહીની જરૂર છે તેવા દર્દીનારાયણના ઉપયોગમાં લેવામાં આવશે. આ કાર્યક્રમમાં સાધુ સંતો અને રાજકીય અને સામાજિક આગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રકતદાન કરનાર તમામ રક્તદાતાઓનું આકર્ષક ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે આયોજકોએ આ કપરી પરિસ્થિતિમાં પરોપકારની ભાવના રાખી તમામ ઉદાર હૃદયના રક્તદાતાઓનો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હળવદ શહેરમાં છેલ્લા દોઢ વર્ષમાં આ છઠ્ઠી વખત સ્વૈચ્છીક રકતદાન કેમ્પનું સફળ આયોજન વિવિધ સામાજિક રાજકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પાટિયા ગ્રુપ અને વિશ્વ હિન્દૂ પરિષદ, શ્રી શરણેશ્વર મહાદેવ મંદિરના સર્વે સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.\