ગ્રાહક 55000નું પેમેન્ટ ભરવા ગયા ત્યારે 2000ની 6 નોટ જમા કરાવતા ચોખ્ખી ના પાડી દીધી મોરબી : રિઝર્વ બેન્ક દ્વારા આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં રૂપિયા 2000ની ચલણી નોટ જમા કરાવી દેવા આખરી મુદત આપી આવતી કાલથી તમામ બેંકમાં 2000ની ચલણી નોટ બદલાવવા નક્કી કર્યું છે છતાં પણ ખાનગી ફાયનાન્સ કંપનીઓ રિઝર્વ બેન્કના નિયમનો ઉલાળિયો કરી આજથી જ 2000ની નોટ સ્વીકારવા ઇન્કાર કરી દેતા ગ્રાહકો -પ્રજાજનો મુશ્કેલીમાં મુકાયા છે, મોરબીમાં સવારે આઇઆઇએફએલ ફાયનાન્સ બાદ મુથ્થુટ ફાયનાન્સ કંપનીએ પણ 2000ની નોટ સ્વીકારવામાં નહીં આવે તેવા પાટિયા લટકાવી દીધા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં 2000ની ચલણી નોટ બેંકમાં જમા કરાવવાની મુદત શરૂ થતા પહેલા જ ખાનગી ફાયનાન્સ કંપનીઓએ વિવાદનો મધપૂડો છેડી રિઝર્વ બેન્કના નિયમોનો ઉલાળિયો કરવાંનુ શરૂ કર્યું છે. આજે સવારે સામાકાંઠા વિસ્તારમાં આઇઆઇએફએલ ફાયનાન્સ કંપનીએ ગોલ્ડ લેનાર પાસેથી 2000ની નોટ સ્વીકારવા ઇન્કાર કરી રિઝર્વ બેન્કને ફરિયાદ કરો તેવો રોકડો જવાબ આપ્યા બાદ આજે બપોરના સમયે મોરબીના સુધારા શેરી નજીક આવેલ મુથ્થુટ ફાયનાન્સ નામની કંપનીમાં ગોલ્ડ લોનના નાણાં પેટે રૂપિયા 55000 જમા કરવવા ગયેલા રવિભાઈ ચંદુભાઈ મિયાત્રા નામના ગ્રાહકે પોતાના પેમેન્ટમાં 2000ની 6 નોટ જમા કરાવતા મુથ્થુટ ફાયનાન્સ કર્મચારીએ 2000ની નોટો સ્વીકારી ન હતી. વધુમાં મુથ્થુટ ફાયનાન્સ જેવી કંપનીઓ તમામ ગ્રાહકોને અહીં 2000ની નોટ સ્વીકારવામાં નહીં આવે તેવા ઘરના નિયમો બનાવી ગ્રાહકોને હેરાન કરવાનું શરૂ કરતા હવે સામાન્ય નાગરિકોને અગાઉની નોટબંધીની જેમ લાઈનોમાં લાગવું પડશે તેવા સંકેતો મળી રહ્યા છે. જો કે, સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્રે પ્રજાને મુશ્કેલી ન પડે તે માટે ખનગી બેન્કો અને ફાયનાન્સ કંપનીઓને સીધી કરવા મેદાને આવવું પડશે અન્યથા લોકોને હાલાકીનો ભોગ બનવું પડશે તે નક્કી છે.