હેવી વીજ કનેક્શન ધારકોના જ રૂ.150 કરોડ બાકી, દરરોજ 150 કનેક્શન કટ્ટ : ત્રણ નગરપાલિકાઓ પાસેથી રૂ.23 કરોડની ઉઘરાણી બાકીમોરબી : રાજ્યની સૌથી મોટી વીજ કંપની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ માટે મોરબી જિલ્લો કમાઉ દીકરો છે, જો કે, ચાલુ વર્ષમાં માર્ચ મહિનો નજીક આવતા જ પીજીવીસીએલ દ્વારા ઉઘરાણી કડક બનાવવામાં આવી છે અને બાકી નીકળતી રૂપિયા 193 કરોડની વસુલાત માટે પીજીવીસીએલ દ્વારા 200 ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે. નોંધનીય છે કે, જિલ્લાની ત્રણ નગરપાલિકા પાસેથી 23 કરોડ અને હેવી વીજ જોડાણ લેનાર ઉદ્યોગો પાસેથી જ 150 કરોડથી વધુની ઉઘરાણી બાકી છે.મોરબી જિલ્લામાં ચાલુ નાણાકીય વર્ષના અંત સમયમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે તમામ તાકાત કામે લગાવી બાકી વસુલાત માટે કાર્યવાહી શરૂ કરી છે જેમાં જિલ્લામાં કુલ રૂપિયા 193 કરોડની વસુલાત માટે પીજીવીસીએલ દ્વારા 200 જેટલી ટીમની રચના કરી રહેણાંક, કોમર્શિયલ, ઉદ્યોગ અને ખેતીવાડી કનેક્શન ધારકો પાસેથી બિલના નાણાં વસુલ કરવા માટે વીજ કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, પીજીવીસીએલમાં સૌથી વધુ રેવન્યુ ધરાવતા મોરબી જિલ્લામાં આશરે 3.72 લાખ એલટી અને 2246 એચટી કનેકશનો આવેલા છે.મોરબી પીજીવીસીએલ સર્કલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ તા.12મી માર્ચ સુધીની ગણતરીએ મોરબી જિલ્લામાં એચટી કનેકશનના 150 કરોડ જેટલા અને એલટી કનેકશનના 43.72 કરોડ રૂપિયા બાકી નીકળે છે. જેમાં હળવદ નગર પાલિકાના રૂ.15.44 કરોડ, મોરબી મહાનગરપાલિકાના રૂ. 7.36 કરોડ, માળીયા મિયાણા નગર પાલિકાના રૂ. 67.87 લાખ રૂપિયા ઉપરાંત મોરબી શહેર જિલ્લાની જુદી-જુદી સરકારી કચેરીના રૂ.16 લાખ રૂપિયા બાકી નીકળી રહ્યા છે.હાલમાં મોરબી સર્કલ ઓફિસ દ્વારા વીજ બિલના બાકી નીકળતા રૂપિયા 193 કરોડ વસૂલવા માટે જુદી જુદી 200 જેટલી ટીમોને જાન્યુઆરી માસથી જ મેદાનમાં ઉતારવામાં આવી છે અને બાકીદારોને નોટિસ આપ્યા બાદ પણ જો વીજ બિલ ભરપાઈ કરવમાં ન આવે તો વીજ જોડાણ કટ્ટ કરવા સુધીના પગલાં લેવામાં આવી રહ્યા છે. પીજીવીસીએલના અધિકારીક વર્તુળોના જણાવ્યા મુજબ હાલમાં બાકી વીજ બિલ નહીં ભરનારા લોકોના દૈનિક 150 જેટલો કનેકશનો કટ્ટ કરવામાં આવી રહ્યા હોવાનું પણ અંતમાં ઉમેર્યું હતું.