કારખાનામાં કામ કરતા ચોકીદારે 15 વર્ષની સગીરાને ધમકી આપી દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી; પોકસો કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો મોરબી અપડેટ: મોરબીની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ પોકસો કોર્ટે સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ. 25,000નો દંડ ફટકાર્યો છે. કેસની આખરી સુનાવણી બાદ આરોપી ફરાર થઈ ગયો હોવા છતાં, અદાલતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈ મુજબ આરોપીની ગેરહાજરીમાં આ કડક ચુકાદો સંભળાવ્યો છે.કેસની વિગતવાર માહિતીમહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ડોળી ગામના વતની અને મોરબીમાં ઘડિયાળના કારખાનામાં ચોકીદાર/મજુરી કામ કરતા રમેશ પુનાજી ડામોર (ઉં.વ. 25) સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપીએ તા. 07/01/2019થી તા. 27/05/2019 દરમિયાન પોતાના કુટુંબી સગા અને કારખાનામાં કામ કરતી 15 વર્ષની સગીરાની એકલતાનો લાભ ઉઠાવી, તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ કુકર્મના કારણે સગીરાને 4 માસનો ગર્ભ રહી ગયો હતો. સગીરાને પેટમાં દુખાવો થતાં તેને સારવાર અર્થે લઈ જતાં સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.ટ્રાયલ પૂર્ણ થયા બાદ આરોપી ફરાર, કોર્ટે ચલાવી કાર્યવાહીઅદાલતમાં કેસની ચલાવણી દરમિયાન તમામ પુરાવા, ડોક્ટરોની જુબાનીઓ અને ડીએનએ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. દલીલો રજૂ થયા બાદ તા. 12/02/2024થી આરોપી રમેશ પુનાજી ડામોર અદાલતમાં હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો. જો કે, પીડિતાને ન્યાય મળે તે હેતુથી પોકસો અદાલતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 335 મુજબ આરોપીની ગેરહાજરીમાં જ કેસનો ચુકાદો જાહેર કરવાનો હુકમ કર્યો હતો.પોકસો કોર્ટનો મહત્ત્વનો ચુકાદોમોરબીના સ્પેશિયલ પોકસો જજ અને એડિશનલ સેશન્સ જજ સાહેબે સરકારી વકીલ એન.ડી. કારીયાની દલીલો તથા રેકોર્ડ પરના પુરાવાઓને ધ્યાને લઈ આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી રમેશ પુનાજી ડામોરને પોકસો એક્ટની કલમ હેઠળ 20 વર્ષની સખત કેદ અને રૂ. 25,000નો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદ ભોગવવાનો આદેશ કર્યો છે.પીડિતાને વળતર ચૂકવવાનો આદેશઅદાલતે આરોપીને ફટકારેલા દંડની રકમમાંથી 50% રકમ એટલે કે રૂ. 12,500 પીડિતાને વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ અન્વયે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબી મારફતે પીડિતાને રૂ. 25,000નું આખરી વળતર ચૂકવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiNews #MorbiCourtNews #POCSOCase #MorbiPolice #CrimeNews #GujaratNews