મોરબી સ્પે. પોકસો કોર્ટનો આકરો ચુકાદોમોરબી : મોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજુરી કરીને પેટિયું રળતા શ્રમિક પરિવારની સગીરવયની પુત્રીને પરણિત ઢગાએ હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાનો કેસ આજે મોરબીની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની આકરી સજા ફટકારો છે.આ કેસની વિગત એવી છે કે, શ્રમિક પરિવાર થોડા વર્ષો પહેલા તેમના સંબંધીના કહેવાથી મોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજુરી કરવા આવ્યો હતો. ત્યાં આરોપી ધર્મેન્દ્ર પૂનમસિંગ મેડા તેની પત્ની સાથે રહીને ત્યાં ખેતમજુરી કરતો હતો. આ શખ્સ પરણિત હોવા છતાં આ શ્રમિક પરિવારની 13 વર્ષની સગીરવયની પુત્રી પર નજર બગડી હતી. દરમિયાન આ શ્રમિક પરિવાર પોતાના વતન જવા માટે નીકળ્યો હતો અને સામાંકાંઠે પહોંચતા આ 13 વર્ષની સગીરા લાપતા થઈ ગઈ હતી. બાદમાં તપાસ કરતા આરોપી જ તેમની પુત્રીને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હોવાનું માલુમ પડતા આ પરિવારે ગત તા.15/2/2021ના રોજ પોલીસને અરજી કરી હતી. વધુ તપાસમાં આરોપી ધર્મેન્દ્ર પૂનમસિંગ મેડાએ સગીરાને ભગાડી જઈ વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી. આથી જે તે સમયે આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. દરમિયાન આ કેસ આજે મોરબીની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવે અને નીરજભાઈ કારીઆની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાને રાખી કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની કેદની સજા અને 31 હજારનો દંડ કટકાર્યો છે અને ભોગ બનનારને રૂ.3.32 લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે.