મહાનગર પાલિકાએ નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ઉઘરાણી શરૂ કરીચાલુ વર્ષનો 19 કરોડ અને પાછલો બાકી 46 કરોડ મળી કુલ 65 કરોડ રૂપિયા વસુલાત માટે તંત્ર સજ્જમોરબી : નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબીમાં હવે ટેક્સ ભરવામાં લાલીયાવાડી નહીં ચાલે તેવો સ્પષ્ટ સંદેશો મહાનગર પાલિકાએ આપી આગામી વર્ષનો 65 કરોડનો વેરા વસુલાતનો લક્ષ્યાંક હાંસલ કરવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ઉઘરાણી શરૂ કરી છે. મોરબી મહાનગર પાલિકાની વેરા વસુલાત શાખાએ સાત દિવસનો વિરામ લઈ પ્રથમ તબક્કે રૂપિયા 10 હજારથી 50 હજારનો બાકી વેરો હોય તેવા 20 હજાર કરદાતાઓને નોટિસ ફટકારવાનું શરૂ કરી છ ટીમોને વેરા વસુલાત માટે મેદાને ઉતારી છે.દર વર્ષે મોરબી નગર પાલિકા દ્વારા નાણાકીય વર્ષના અંત ભાગમાં જ દોડાદોડી કરીને બાકી વેરો વસૂલવા માટે કાર્યવાહી કરવામાં આવતી હતી જેની સામે મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવતા જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એપ્રિલ માસમાં જ વેરા વસુલાતને મજબૂત બનાવવા માટે વેરા વસુલાત શાખાને એક્ટિવ કરી છે જેના પરિણામ સ્વરૂપ રૂપિયા 10 હજારથી 50 હાર સુધીનો બાકી વેરો હોય તેવા 20 હજાર કરદાતાઓને નોટિસ ફટકારવા માટે મહાનગર પાલિકાની છ ટિમો મેદાનમાં ઉતરી ધડાધડ નોટિસ ફટકારી રહી છે. નોંધનીય છે કે, મહાનગર પાલિકાએ ગત નાણાકીય વર્ષમાં 37 મિલ્કતો સીલ કરી આઠ નળજોડાણ કટ્ટ કર્યા હતા ત્યારે આ નોટિસ સાથે જ 5 દિવસમાં બાકી વેરો ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, મોરબી મહાનગર પાલિકામાં નોંધાયેલ 88 હજાર કરદાતાઓ ઉપરાંત નવા ભળેલા વિસ્તારના કરદાતાઓને પણ પ્રામાણિક પણે વેરો વહેલીતકે ભરપાઈ કરી દેવા મહાનગર પાલિકાએ અનુરોધ કર્યો છે અન્યથા મિલ્કત જપ્તી અને નળ તેમજ ડ્રેનેજ જોડાણ કટ્ટ કરવાની કામગીરીનો સામનો કરવા તૈયાર રહેવા પ્રજાજનોને જણાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે વેરાવસુલાતની કામગીરીમાં ચાલુ વર્ષોનો 19 કરોડ અને પાછલો બાકી નીકળતો 46 કરોડનો વેરો વસૂલવા તંત્ર અત્યારથી મક્કમ બન્યું છે ત્યારે નાણાકીય વર્ષ 2025-26માં મહાનગર પાલિકાનો લક્ષ્યાંક સિદ્ધ થવાના અણસાર મળી રહ્યા છે.___________________________30 સપ્ટેમ્બર સુધીમાં વેરો ભરનારને રિબેટમોરબી મહાનગર પાલિકા દ્વારા શહેરના નિયમિત અને પ્રામાણિક કરદાતાઓ માટે ચાલુ વર્ષનો વેરો સમયસર ભરે તેવા નાગરિકો માટે આગામી તા.30 સપ્ટેમ્બર સુધી 10 ટકા રિબેટ યોજના પણ અમલી બનાવી છે ત્યારે વધુને વધુ કરદાતાઓને રિબેટ યોજનાનો લાભ લેવા મહાનગર પાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.___________________________પ્રોફેશનલ ટેક્સની 76 ટકા વસુલાતમોરબી શહેરમાં મહાનગર પાલિકા દ્વારા પ્રોફેશનલ ટેક્સ વસૂલાતમાં સારી કામગીરી કરવામાં આવી છે જેમાં મહાનગર પાલિકાના ચોપડે નોંધાયેલ 12207 પૈકી 9321 કરદાતાઓએ પ્રોફેશનલ ટેક્સ ચુકવ્યો હોવાથી ચાલુ વર્ષ મહાનગર પાલિકાને 1,49,38,044 રૂપિયાની આવક થઇ છે જેથી મહાનગર પાલિકા દ્વારા પ્રોફેશનલ ટેક્સની વસૂલાતમાં 76 ટકા જેવો લક્ષ્યાંક પૂર્ણ કરાયો છે.___________________________સર્વરના ધાંધિયા દૂર થાય તો કરદાતાઓને રાહતમોરબી મહાનગર પાલિકા દ્વારા વેરા વસુલાત માટે નોટિસ અને જપ્તીની કાર્યવાહી કરવામાં એ રહી છે ત્યારે બીજી તરફ પ્રામાણિક કરદાતાઓ વેરો ભરપાઈ કરવા આવે ત્યારે તેઓને મળવી જોઈતી સુવિધા મળતી ન હોવાનું તેમજ સર્વરના ધાંધિયાના કારણે લોકોને કલાકો સુધી લોઢા શેક કરવો પડી રહ્યો હોય મ્યુનિસિપલ કમિશનર દ્વારા સર્વરના ધાંધિયા દૂર કરવા માટે પણ પગલાં લેવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.___________________________