રાજપર ગામના વ્યાજખોર વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના વાવડીરોડ ઉપર સુમતીનાથ નગરમાં રહેતા વિપ્ર યુવાનને રૂપિયા 20 હજાર વ્યાજે આપ્યા બાદ રૂપિયા 66 હજાર વસુલ કરી કોરા ચેકમાં સહીઓ કરાવી બાઈકની આરસી બુક મેળવી લઈ વધુ નાણાં વસૂલવા રાજપર ગામના વ્યાજખોરે યુવાનની પત્ની પાસે પઠાણી ઉઘરાણી કરી પતિ અને પુત્રને જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડીરોડ ઉપર સુમતીનાથ નગરમાં રહેતા હિતેશભાઇ ઇશ્વરભાઇ જોષી નામના યુવાને રાજપર ગામના હિતુભા નરેન્દ્રસિંહ ઝાલા નામના વ્યાજખોર પાસેથી રૂપિયા 20 હજાર વ્યાજે લીધા હોય વ્યાજખોરે કુલ મળીને 66 હજાર રૂપિયા વસુલ કર્યા હતા આમ છતાં સંતોષ નહીં માની વ્યાજખોર હિતુભા નરેન્દ્રસિંહ ઝાલાએ ઉઘરાણી ચાલુ રાખી કોરા ચેકમાં સહીઓ કરાવી આરસી બુક મેળવી ટીટીઓ ફોર્મમાં સહીઓ કરાવી લઈ હિતેશભાઇના પત્ની શીતલબેનને પતિ તેમજ પુત્રને જાનથી મારી નાખવા ધમકી આપી વ્યાજ સાથે મુદલ રકમ ચુકવવા પજવણી કરી પઠાણી ઉઘરાણી કરતા શીતલબેનની ફરિયાદને આધારે મોરબી સીટી એ ડિવિઝનમાં વ્યાજખોર વિરુદ્ધ આઇપીસી કલમ 386, 387 તેમજ ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.